સૈયદ ઇમામુદ્દીન અને મોમના જમાત
March 28, 2024એક રાહબર જે માર્ગ બતાવી ગયો
March 28, 2024આમ તો ઇસ્લામ અંગીકાર કર્યા પછી મોમિન કોમ હંમેશાં મશાઇખ અને ધાર્મિક બુઝુર્ગો સાથે પ્રેમભાવ ધરાવતી રહી છે. ખાસ કરીને સૈયદ કબીરુદ્દીન અને તેમનાં સંતાનો સાથે દ્રઢ સંબંધ હતો, આ જ કારણસર આ કોમના અમુક લોકો સૈયદ મશાઇખ (રહ.)ને લાહોરથી કડી લાવ્યા હતા,ત્યાર પછી હઝરત પીર મશાઇખ (રહ.) સાથે પણ જોડાયેલી રહી અને આપની ખિદમતમાં હાજરી આપતી રહી જેનો ઉલ્લેખ હઝરત પીર મશાઇખ (રહ.)એ પોતાના દીવાનમાં ઠેરઠેર કર્યો છે. જેમ કે એક જગ્યા પર લખે છે:
“જ્યારે કોઈ બદદીન અકીદાની શુદ્ધિ માટે મારી પાસે આવે છે તો અલ્લાહની કૃપાથી તેના ગેરઇસ્લામી અકીદા નષ્ટ થઈ જાય છે અને સીધા માર્ગે આવી જાય છે ભલે પછી તે શ્રાવક હોય કે મહેશ્વરી કે પછી મુનાફિક (પાખંડી) મોમિન જે ધાર્મિક લૂંટારોના હાથે ચડીને ગુમરાહ થઈ ગયો હોય. જો કોઈ શીયાવાદી મારી પાસે આવે છે તો સુન્ની બનીને પાછો ફરે છે.”
(નૂરનામા,બયાન:૩૨,શેર: ૧૪-૧૮)


પરંતુ હઝરત પીર મશાઇખ (રહ.)ના આગમન પહેલાં લોકોની હાલત એવી હતી કે જો પીરના હૃદયમાં ખુદાનો ડર હોતો તો લોકોને સત્ય માર્ગદર્શન મળી રહેતું અને જો તેઓ કોઈ દુનિયા-લોભી પીરના હાથે ચડી જતા તો તેઓ ધર્મ અને દુનિયા બંને રીતે કોમને ખૂબ લૂંટતા અને પછી તેમના ધાર્મિક માર્ગદર્શન માટે કોઈ લેખિત સ્ત્રોત પણ નહોતા જેના વડે લોકોને હકપરસ્ત મશાઇખની વફાત પછી દુરસ્ત માર્ગદર્શન મળતું રહે. તદુપરાંત લોકોમાં ધાર્મિક અજ્ઞાનતાના કારણે આ પીરોનું કામ વધારે સરળ થઈ જતું અને એટલું જ નહીં કે તેઓ લોકોને ધાર્મિક શિક્ષણથી વંચિત રાખતા બલ્કે ગેરમાર્ગે દોરતા હતા જેથી તેમની મુઠ્ઠીઓ ગરમ રહે અને ખિસ્સાં ભરાતાં રહે. પરિણામે કોમ અજ્ઞાનતાના અંધકારમાં ભટકતી રહી અને જાતજાતની ધાર્મિક તથા સામાજિક ખરાબીઓનો ભોગ બની ગઈ. આ દુનિયા-લોભી અને ધર્મના ઠેકેદાર બની બેસેલા ધર્મગુરુઓ એટલી હદે અકીદતનાં કેન્દ્ર બની ગયા હતા કે તેઓ હલાલને હરામ અને હરામને હલાલ કહેતા તે છતાં પણ લોકો તરત જ તેમના અનુસરણ માટે તૈયાર થઈ જતા અને ગેરઇસ્લામી માન્યતાઓ ને રિવાજો છેલ્લી હદે હતાં અને સ્વાર્થ પ્રાપ્તિ માટે ધડાધડ હદીષો ઘડવામાં આવતી હતી, ગેરકાયદેસર કાર્યોને યોગ્ય ઠેરવવાના પ્રયાસો કરવામાં આવતા હતા. જ્યોતિષવિદ્યામાં પણ સપડાયેલા હતા. જ્યારે ઈમાન અને માન્યતાઓની આ દુર્દશા હતી, તો બંદગીની શી દશા હશે પોતે સમજી શકો છો.
અને કોમની આવી ભયાનક અને અવર્ણનીય પરિસ્થિતિ હતી બલ્કે હકીકત એ છે કે તેમનો કોઈ રખેવાળ નહતો, ભલે તે સમયે અમદાવાદ અને પાટણ તર્કશાસ્ત્રમાં શીરાઝ અને હદીષવિદ્યામાં યમનના દરજ્જામાં હતાં પરંતુ વિદ્વાનો કાં તો આસપાસની પરિસ્થિતિથી અજાણ હતા અથવા વિદ્યાપ્રાપ્તિમાં તન્મયતા એ તરફ ધ્યાન આપવામાં વિઘ્ન પેદા કરતી હતી, અથવા દુનિયાપ્રાપ્તિમાં દરબારના ચક્કર લગાવવાથી ફુરસદ નહતી, સાથોસાથ એ હકીકતને પણ અવગણી ન શકાય કે અમુક વિદ્વાનો શૈક્ષણિક કાર્યોમાં લીન હોવા છતાં, લોકોને માર્ગદર્શન આપવાની જવાબદારીથી પાછી પાની કરતા નહતા. તે પૈકી એક મુહમ્મદ બિન તાહિર પટણી (રહ.) હતા પરંતુ મોમિન કોમ આ ઉલમાએ કિરામથી લાભ ન મેળવી શકી ભલે તેનાં કારણો જે પણ હોય.
