અજ્ઞાનતામાં ભટકતી એક સત્યવાંછું કોમ
March 28, 2024પેઢીનામું
March 28, 2024ખેર, આવા સંજોગોમાં, હઝરત પીર મશાઇખ (રહ.) એવા સમાજસુધારક બની સામે આવ્યા જેમણે મોમિન કોમની ઠીકઠાક નાડ પકડી અને દરેક એવા છિદ્રને બંધ કરવાનો પ્રયાસ કર્યો જેમાંથી તેમના ઈમાનને નષ્ટ કરી દે તેવું ઝેર ટપકતું હતું. તેઓ એવા રખેવાળ હતા જેમની નજર પોતાની રૈયતના દરેક કાર્યની રખેવાળી કરી રહી હતી અને એવા આધ્યાત્મિક અગ્રણી હતા જે કોમના દરેક આધ્યાત્મિક રોગથી માહિતગાર હતા, એવા તબીબ હતા જેમણે ન કેવળ રોગનું નિદાન કર્યું બલ્કે તેની સફળ સારવાર કરી આપી. એવા સ્થાનિક મુજદ્દીદ (નવીનીકરણકર્તા) હતા જેમની સિદ્ધિઓનો પ્રતિઘોષ ત્રણ કે ચાર સદીઓ બાદ આજે પણ સંભળાય છે.
જ્યારે હઝરત પીર મશાઇખ (રહ.) પ્રચલિત ધાર્મિક શિક્ષણમાં સ્નાતક થઈ ગયા ત્યારે આપ એક દ્વિમાર્ગની મૂંઝવણે ઊભા હતા. એક બાજુ અમદાવાદ જેવા શિક્ષિત વિસ્તારમાં અધ્યયન-અધ્યાપન માટે આપ બિલકુલ સક્ષમ હતા. તે સિવાય ઉચ્ચ નસલ સાથે આપનો સંબંધ આપના વ્યક્તિત્વને વધુ ચડિયાતું બનાવતો હતો. માટે આપ ઉત્કૃષ્ટ શિષ્યોની પર્યાપ્ત સંખ્યા વારસામાં છોડી શકતા હતા જેથી આપ શૈક્ષણિક ધરોહરની સુરક્ષા સિવાય શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ પદ મેળવી શકતા હતા. પરંતુ બીજી બાજુ પોતાના મૂળવતન તેમજ આજુબાજુના વિસ્તારોમાં એક મોટી સંખ્યા ધરાવતી કોમ અજ્ઞાનતાના અંધારામાં ભટકી રહી હતી જે અજ્ઞાનતાની સાથે વિવિધ ખરાબીઓ, બિદઅતો તેમજ ગેરઇસ્લામી કાર્યોથી ગ્રસ્ત હતી. પરંતુ તે એક એવી કાચી સામગ્રી હતી જેને કોઈ નિષ્ણાત કારીગરનો હાથ સ્પર્શ્યો નહતો અને આ એવો મૂલ્યવાન હીરો હતો જે પડ્યો પડ્યો વ્યર્થ જઈ રહ્યો હતો. તેમની નાવ કોઈ અનાડી નાવિકના હાથે અજ્ઞાનતા અને ધાર્મિક તાનાશાહીના અતિ-તીવ્ર થપેડો સાથે ટકરાઈને ચકનાચૂર થઈ જાય અને આજે ડૂબે કે કાલે ડૂબે એવી ભયાનક પરિસ્થિતિના સંકેત મળી રહ્યા હતા અને ક્યારે તે લોકો મુર્તદ (ધર્મ ત્યાગનાર) થઈ જાય તેની કોઈ ખાતરી નહતી. આવા સંજોગોમાં હઝરત પીર મશાઇખે નાવ-સવારોમાં તોફાનમાંથી નીકળી તટ સુધી પહોંચવાની હિંમત આપી અને દીવાને મશાઇખ રૂપે માર્ગસૂચક નિશાન આપી ગયા જેણે આ કોમને ન કેવળ સીધા માર્ગે દોરી બલ્કે તેમના સંતાનોમાં કુર્આનોહદીષના વિશાળ સાગરમાં ડૂબકી ખાનારા નિષ્ણાત પેદા કર્યા. આ બાબતે પીર મશાઇખ (રહ.) અને આપના દીવાનની ભૂમિકા ભૂલી ન શકાય.
