અભિપ્રાય – (મૌલાના) સનાઉલ્લાહ (સાહેબ) રસૂલપુરી
February 7, 2024પ્રાર્થનાવચન | (હઝરત મૌલાના) મુહમ્મદ કમરુઝ્ઝમા (સાહેબ) ઇલાહાબાદી
March 28, 2024ગુજરાત રાજ્ય ભારતમાં ઇસ્લામી સંસ્કૃતિના આગમનનું પ્રવેશદ્વાર ગણાય છે. મુસ્લિમોના આગમન કરતાં સદીઓ પહેલાંથી અરબ પ્રદેશો સાથે ગુજરાતના મધુર સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધો રહ્યા છે. અલ્હાબાદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઉપકુલપતિ અને ઇતિહાસવિદ્ ડૉ. તારાચંદે પોતાના સંશોધનાત્મક ગ્રંથ Influence of Islam on Indian Cultureમાં રજૂ કરેલ તથ્યો અનુસાર મુસ્લિમોના આગમન પહેલાં ગુજરાતના સમુદ્રતટે અરબ વ્યાપારીઓની અનેક વસાહતો મોજૂદ હતી. તેવી જ રીતે બોમ્બે ગેઝેટિયરમાં પ્રાચીન ઇતિહાસકાર અબુલફિદા (૧૨૭૩- ૧૩૪૩)ના સંદર્ભથી નોંધવામાં આવ્યું છે કે મુસ્લિમોના પ્રવેશથી પહેલાં ગુજરાતના તટીય શહેરોમાં અરબો મોટી સંખ્યામાં વસવાટ કરતા હતા. (Vol.9 Part-2)
ઘોઘા, ભરૂચ, ખંભાત અને સુરતમાં આવેલી ચૌદેક સદીઓ જૂની મસ્જિદો એ વાતની અડીખમ સાક્ષી છે કે ગુજરાતમાં મુસ્લિમોના ઇતિહાસનાં મૂળિયાં ખૂબ ઊંડે સુધી ઉતરેલાં છે. બુઝુર્ગ ઇબ્ન શહરયારે (૯૦૦- ૯૫૬) પોતાના પુસ્તક ‘અજાઇબુલ હિન્દ’માં કરેલ વર્ણન મુજબ છેક દસમી સદી ઈસવીમાં ખંભાત બંદરેથી લોકો હજજયાત્રાએ જતા હતા. કચ્છના અખાતમાં મુંદ્રા પાસે આંતરરાષ્ટ્રીય કીર્તિ ધરાવતા ભદ્રેશ્વર બંદરે ભદ્રેશ્વર બંદરે ધનવાન જૈન ઉદ્યોગપતિ જગડુશાહે (૧૨૧૦-૧૨૭૫) અરબ પ્રદેશોમાંથી આવતા મોટી સંખ્યામાં આવતા તેમના મુસ્લિમ વ્યાપારીઓ માટે મસ્જિદ બંધાવી હતી. આજે પણ આબાદ ભદ્રેશ્વરની આ જામા મસ્જિદ કોમી સૌહાર્દથી છલોછલ ગુજરાતના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે.(Gujarat and the Sea pp. 589-90)
અભી ઈસ રાહ સે કોઈ ગયા હૈ,
કહે દેતી હૈ શોખી નકશે પાકી
ગુજરાતમાં ઇસ્લામની સુવાસ અને માનવતાનો સંદેશ ફેલાવવામાં સૂફીઓનું બેમિસાલ યોગદાન રહેલું છે. એટલું જ નહીં, ઈન્ડોનેશિયા અને મલેશિયા જેવા પૂર્વના મુસ્લિમ બહુલ દેશો સુધી ઇસ્લામની કિરણો પહોંચાડવાનું શ્રેય પણ ગુજરાતના સૂફીસંતોને શિરે છે. સત્તરમી સદીમાં મલેશિયાના રાજાના મંત્રી રહેનાર સુરતના સૂફી નૂરુદ્દીન રાંદેરી (મૃ.૧૬૫૮)એ ૭ વોલ્યુમમાં લખેલ ગ્રંથ ‘બુસ્તાનુસ્સલાતીન’ આ ભવ્ય ઇતિહાસને ઉજાગર કરે છે.
(Gujarat and the Sea p. 405)
ઉત્તર તથા મધ્ય ગુજરાતની સઘળી મુસ્લિમ જ્ઞાતિઓ અને ખાસ કરીને મોમિન (મુમન) બિરદારીમાં વ્યાપી ગયેલ શિર્કભર્યાં કૃત્યો, ગુમરાહીઓ, બિદઅતો અને તમામ પ્રકારની બિનઇસ્લામી રસમોના અંધકારમાંથી બહાર કાઢવામાં હઝરત પીર મશાઇખ (૧૬૫૦-૧૬૯૧)નું બેમિસાલ યોગદાન રહ્યું છે. આ અંગે આપે સ્થાનિક ગૂર્જરી ભાષામાં ૨૪૦૦ કાવ્યો અને ૪૦૦૦૦ કડીઓમાં રચેલ પદ્યકૃતિ ‘દીવાને મશાઇખ’ સદીઓ સુધી મોમિન બિરદારીમાં લોકપ્રિય રહ્યું છે અને શ્રદ્ધાપૂર્વક ગવાતું રહ્યું છે. અહીં સુધી કે છેક ૧૯મી સદીના સમાજસુધારક મૌલાના નઝીરમિયાં (અવસાન ૧૯૭૮) પણ મોમિન બિરદારીમાં વ્યાપ્ત બદીઓ દૂર કરવા માટે આ દીવાને પીર મશાઇખ’ અને તેમનાં અન્ય પુસ્તકો પઢાવતા હતા.
(સારાંશ દીવાને મશાઇખ પાન-૪૫)
હઝરત પીર મશાઇખ (રહ.)નું મહાન ક્રાંતિકારી કાર્ય એ છે કે આપે પોતાના યુગમાં એવા વિકટ સંજોગોમાં ગૂર્જરી ભાષામાં ઇસ્લામી સાહિત્યનો મૂલ્યવાન ખજાનો તૈયાર કર્યો, જ્યારે ગુજરાતમાં ઇસ્લામના અનુયાયીઓની વિશાળ સંખ્યામાં હોવા છતાં સામાન્ય લોકોની બોલી એવી ગૂર્જરી ભાષા ઇસ્લામી સાહિત્યથી વંચિત હતી. માત્ર આટલું જ નહીં, જ્યારે આપે ગહન નિરીક્ષણ કર્યું કે અહીંના સામાન્ય રહીશો પ્રાચીન ધાર્મિક તેમજ ગ્રામીણ સંસ્કૃતિના વ્યાપક પ્રભાવ હેઠળ કાવ્ય અને રાગ પ્રત્યે ગાઢ પ્રેમ ધરાવતા હતા, તો આપે સામાન્ય લોકોની ગૂર્જરી બોલીમાં કાવ્યમય ઇસ્લામી સાહિત્યની રચના કરીને તબલીગ અને સમાજ-સુધરણાના એ પયગંબરી સિદ્ધાંત પર અમલનો નમૂનો પ્રસ્તુત કર્યો કે ‘વમા અરસલના મિર્રસૂલિન ઇલ્લા બિલિસાનિ કવ્યિહી. (અમે દરેક પયગંબરને તેમની કોમની ભાષામાં જ સંદેશ લઈને મોકલ્યા.) ૧૩ કિતાબોના મૂલ્યવાન સંગ્રહમાં આપે તૌહીદ, ઇસ્લામી માન્યતાઓ, બંદગી, પયગંબર(સલ.)નું જીવનચરિત્ર, ચાર ખલિફાઓનું જીવનવૃત્તાંત, મુસ્લિમ ઇતિહાસ, બોધવચનો સહિત તમામ જરૂરી વૈવિધ્યસભર પાસાંઓને આવરી લીધાં હતાં. આપે આ ગ્રંથમાં વિવિધ ફૂલોની સુગંધ વિખેરીને મુસ્લિમ ઇતિહાસના મહાન સૂફી મૌલાના રૂમીની કાવ્યમય શૈલીમાં જાણે ઈમામ ગઝાલીના મહાગ્રંથ ‘ઇહ્યાઉલ ઉલૂમ’નો એક નમૂનો ગૂર્જરી સાહિત્યને અને ગુજરાતી પ્રજાને અર્પણ કર્યો.
આપ સ્વયં લખે છે: “હે અલ્લાહા હૈ નવાજિશ કરનાર! હું જે દીવાન લખવાની ઈચ્છા ધરાવું છું, તેમાં પોતાની કૃપાથી ખૂબી પેદા કરી દે અને મારી અભિલાષા પૂર્ણ કર અને ઈમામ ગઝાલી જેવો દીવાન તૈયાર થાય……….. ઈમામ સાહેબે અરબી ભાષામાં કિતાબ લખી છે અને હું ગૂર્જરી ભાષામાં લખું છું. આ ગામડાંના લોકો માત્ર ગૂર્જરી ભાષા સાંજે છે અને એ ભાષાને જ ચાહે છે. વળી હું તો રહ્યો ચિશ્તી હું અને ચિશ્તી સંપ્રદાયમાં તો રાગ જાણે કે શરત છે..”
( આ પુસ્તક પાન-૧૩૬)
દારૂલ ઉલૂમ જામિઆ નઝીરીયા, કાકોશીના ઉત્સાહી અને સાહિત્યપ્રેમી ઉસ્તાદ મૌલવી ઈમરાન નદવી પાલનપુરી સાહેબે પૂરી નિષ્ઠાથી ભારે જહેમત ઉઠાવીને ગૂર્જરી ભાષાની હસ્તપ્રતોની મદદથી આ મહાગ્રંથનું સંક્ષિપ્ત પણ સર્વગ્રાહી ભાષાંતર કર્યું. આજના સમયના વાચકોની ટૂંકું વાંચવાની માનસિકતા અને તેમની સરળતાને ધ્યાને રાખીને આપે આ ૧૩ કિતાબોનો ટૂંકસાર ઉર્દૂમાં આકર્ષક શૈલીમાં રજૂ કરીને આશ્ચર્યજનક રીતે જ્ઞાનના સમુદ્રને નાનકડા કૂંજામાં સમાવી દીધો છે. મૌલવી ઈમરાન સાહેબ આવા મહાકાર્ય માટે પ્રશંસા તથા અભિનંદનના હક્કદાર છે.
હઝરત પીર મશાઇખનું આ ક્રાંતિકારી કાર્ય માત્ર ઉર્દૂ જાણનાર વર્ગ સુધી સીમિત ન રહે, પરંતુ ગુજરાતના તમામ લોકો તેનાથી લાભાન્વિત થાય અને આજના પડકારરૂપ યુગમાં દીનનું કામ શાંતિમય તેમજ પ્રભાવી શૈલીમાં કરવા અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરે તેને દૃષ્ટિમાં રાખીને આ જ મદ્રસાના નવીન સનદ પ્રાપ્ત કરીને ઉસ્તાદની પદવીએ કાર્યરત ખંતીલા યુવાન વિદ્વાન મૌલવી અહમદ કોઇટા પટ્ટની સાહેબે પુસ્તકનો ‘સારાંશ દીવાને મશાઇખ’ના શીર્ષકથી શુદ્ધ તથા શાલીન ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. મૌલવી અહમદ સાહેબે આલિમની પદવી મેળવ્યા બાદ આ જ મદ્રસામાંથી ગુજરાતી ભાષામાં નિપુણતાનો વિશેષ અભ્યાસ કરીને સનદ પ્રાપ્ત કરી છે. ખાસ ચીવટ અને નિષ્ઠાથી અનુવાદ કરવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન! દુઆ સાથે જ દૃઢ આશા છે કે તેઓ આવનાર સમયમાં વધુ ઉમંગથી ગુજરાતી ભાષામાં ઇસ્લામી સાહિત્યના નિર્માણ ક્ષેત્રે વધુ ઉત્કૃષ્ટ પ્રદાન કરશે. બંને ખંતીલા યુવાન વિદ્વાનોએ મદ્રસાના મોહતમિમ સાહેબ એવા રૂહાની તેમજ જાહેરી વિદ્યાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવતા અને ગુજરાતભરમાં ખ્યાતિપ્રાપ્ત લોકપ્રિય વિદ્વાન અને મુરબ્બી હઝરત મૌલાના મુહમ્મદ યાસીન સાહેબ (દા. બ.)ના માર્ગદર્શન પ્રેરક માર્ગદર્શન હેઠળ આ ગ્રંથને પ્રકાશનના તબક્કા સુધી પહોંચાડ્યો છે. અમુક વર્ષો અગાઉ આ જ મદ્રસાના ઉસ્તાદ હઝરત મૌલાના સિરાજુદ્દીન નદવી સાહેબે ઉર્દૂમાં લખેલ પુસ્તિકા ‘હઝરત પીર મશાઇખ કી ઈલ્મી વ ઇસ્લાહી ખિદમાત’ને પ્રકાશિત કરીને અને હવે આ વિશાળ ગ્રંથ પ્રસિદ્ધ કરીને બુઝુર્ગ હઝરત મૌલાના મુહમ્મદ યાસીન સાહેબે આ જ્ઞાતિ અને આ વિસ્તારના રૂહાની મહાપુરુષ હઝરત પીર મશાઇખના જીવન અને તેમની ઝળહળતી સેવાઓથી નવી પેઢીને વાકેફ કરવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે.
ઉર્દૂ અને ગુજરાતી ભાષાંતરોની સાથે જ આ પુસ્તકમાં ‘દીવાને પીર મશાઇખ’ની હસ્તપ્રતમાંથી મૂળ ગૂર્જરી કાવ્યખંડોની ફોટોકોપી પણ આપવામાં આવી છે, જે પુસ્તકના સૌંદર્ય અને લાભને બેવડાવે છે. આમ, આ પુસ્તક એક સાથે એક જ ગ્રંથમાં ત્રણ ભાષાઓમાં પ્રકાશિત થઈ રહ્યું છે. એ પણ આ મૂલ્યવાન પુસ્તકની એક આગવી વિશેષતા છે.
અલ્લાહથી દુઆ છે કે આ પુસ્તકના બંને અનુવાદકો, તેમના મુરબ્બી અને માર્ગદર્શક તથા પ્રકાશનમાં સહભાગી બનનાર તમામને દુનિયા તથા આખિરતમાં શ્રેષ્ઠ બદલો અર્પણ કરે. આમીન.
દુઆનો અભિલાષી
મૌલવી ઇકબાલ બોકડા
દારૂલ ઉલૂમ, ગોધરા
૨૩મી શઅબાન, ૧૪૪૪ મુતાબિક
૧૬મી માર્ચ, ૨૦૨૩
