પ્રસ્તાવના
January 30, 2024(હઝરત મૌલાના સૈયદ)મુહમ્મદ રાબિઅ હસની નદવી નાઝિમ નદ્વતુલ ઉલમા લખનૌ
الحمد للہ رب العالمین، والصلاۃ والسلام علی سید المرسلین وخاتم النبیین سیدنا محمد بن عبد اللہ الأمین ، وعلی آلہ وصحبہ أجمعین، وعلی من تبعہم بإحسان ودعا بدعوتہم إلی یوم الدین وبعد
ગુજરાત શૈક્ષણિક, સાહિત્યિક અને ધાર્મિક રીતે ન કેવળ ફળદ્રુપ પ્રદેશ છે;બલ્કે તે આ ઉપખંડમાં મુસ્લિમોના આગમનનો દ્વાર પણ બન્યું, જેમ કે બયાન કરવામાં આવે છે કે આ ઉપખંડ સાથે મુસ્લિમો; બલ્કે અરબોનો સંબંધ આ જ ભૂમિથી શરૂ થયો અને મુસ્લિમોનો પ્રથમ કાફલો અહીંના જ સમુદ્રતટ પર પહોંચ્યો, જે તરફ પ્રારંભિક સદીઓથી જ મુસ્લિમોની નજર રહી અને આ જ ભૂમિ અરબો તેમજ હિજાઝે મુકદ્દસ સાથે હિંદુસ્તાનના સંબંધનું પ્રારંભિક બિંદુ બન્યું અને હઝરત ઉમર બિન ખત્તાબ (ર.અ.)ના ખિલાફત-કાળમાં જ અરબ ગુજરાતના સાહિલો પર પહોંચી ગયા હતા. એ જ પ્રમાણે અમુક સહાબા અને તાબિઈન પણ આ તરફ આવ્યા હતા અને જ્યારે ૧૫૯ હિજરીમાં અબ્બાસી ખલીફાએ અમુક લોકોને અહીં મોકલ્યા તો તેમનામાં હઝરત અબૂ બકર રબીઅ બિન સબીહ બસરી મુહદ્દિસ તાબિઈ (મૃ. ૧૬૦ હિ.) પણ સામેલ હતા, જેમણે આ શ્રેય પ્રાપ્ત છે કે હદીષની પ્રથમ કિતાબ તેમણે જ તૈયાર કરી, તેની બરકત એ પ્રમાણે જાહેર થઈ કે આ પ્રદેશને ઇલ્મે હદીષ સાથે વિશેષ સંબંધ રહ્યો અને અહીં નિરંતર એવા લોકો પેદા થતા રહ્યા જેમણે હદીષને પોતાનો વિષય બનાવ્યો અને બાદમાં અલ્લામા ઇબ્ને હજર અસ્કલાનીના શિષ્યોના શિષ્યો, અલ્લામા સખાવીના શિષ્યો, અલ્લામા ઇબ્ને હજર મક્કીના શિષ્યો મોટી સંખ્યામાં અહીં આવીને રહેવાસી બની ગયા અને ઇલ્મે હદીષના પ્રચાર-પ્રસારમાં પોતાનું જીવન વિતાવ્યું, અને સૂફીસંતો, ધર્મ-પ્રચારકો તેમજ ઇસ્લામિક ધારાશાસ્ત્રીઓ અને મુહદ્દિસીનનું આગમન થયું અને તેમના દ્વારા આ દેશમાં ઇસ્લામ તથા ઇસ્લામિક વિદ્યાઓનો પરિચય થયો, અને બાદશાહોએ પણ આ દેશને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને ખાસ કરીને ગુજરાતના બાદશાહોએ શૈક્ષણિક તેમજ સાહિત્યિક ક્ષેત્રે બહુ દેખરેખ દાખવી.
બાદશાહોમાં સુલતાન મુઝફ્ફરશાહ હલીમ ગુજરાતી વિશેષ રીતે ઉલ્લેખનીય છે જે શ્રેષ્ઠ પૂર્વજોના શ્રેષ્ઠ ઉત્તરાધિકારી કહેવાને પાત્ર હતા અને ઉલૂમમાં કુશળ તેમજ અઝીમત પર અમલ કરનારા હતા અને મુઝફ્ફરશાહના પૌત્ર મહમૂદશાહ દ્વિતીય ઇલ્મના બહુ ગુણજ્ઞ હતા.
અહલે દિલ મશાઇખ ને સૂફીસંતોના પરિશ્રમ અને તેમના પવિત્ર આત્મા દ્વારા ગુજરાતમાં ઈમાનને અનુકૂળ હવા ચાલી અને તેના કારણે બહુ જલ્દી એવી તકો ઉત્પન્ન થઈ ગઈ કે ઘણા મહાન ઇલ્મી અને દીની બુઝુર્ગો પેદા થયા અને તેમણે ઇલ્મી અને દીની સ્તર પર અસાધારણ ખિદમત અર્પણ કરી. છઠ્ઠી સદી હિજરીથી લઈને અગિયારમી સદી હિજરી સુધી સંપૂર્ણ ઉપખંડમાં ઉલમાએ દીનને જોતાં આ પ્રદેશ ખાસ્સો ગૌરવશાળી રહ્યો. અનેક એવી મહાન વ્યક્તિઓ છે જે સંપૂર્ણ ઉપખંડમાં બહુ વિશેષતા ધરાવે છે, જેમાં કંઝુલ ઉમ્માલના લેખક શેખ અલી મુત્તકી પોતાની ઇલ્મી ઉચ્ચતાઓન અને વિવિધ ખૂબીઓના કારણે ઘણી વિશેષતા ધરાવે છે, અબ્દુલ વહ્હાબ મુત્તકી તેમના શિષ્ય અને ખલીફા થયા જે અલ્લામા શેખ મુહદ્દિસ દિલ્હીના મુરબ્બી અને ઉસ્તાદ છે, અને તેમનો ગુજરાતના આ જ ઐતિહાસિક અને જ્ઞાન-પ્રેમી શહેર ભરૂચ સાથે સંબંધ હતો, એ જ પ્રમાણે એક મહાન વ્યક્તિ શેખ અલાઉદ્દીન અલી બિન અહમદ અલમહાઇમી પણ છે જેમના વિશે મૌલાના અબ્દુલ હય્ય હસની (રહ.)ની આ વાત પર્યાપ્ત છે કે “મારા મતે હિંદુસ્તાનની હજારવર્ષીય મુદ્દતમાં શાહ વલિયુલ્લાહ મુહદ્દિસ દિલ્હી સિવાય તથ્ય-લેખનમાં તેમની કોઈ મિસાલ નથી,…..તેઓ કોઈ બીજી જગ્યાએ આવ્યા હોત તો તેમના જીવન-ચરિત્ર પર ઘણી કિતાબો લખાઈ ગઈ હોત અને બહુ ગર્વભરી શૈલીમાં ઇતિહાસકાર તેમની દાસ્તાનને વર્ણવી રહ્યા હોત.” (યાદે અય્યામ,પાન: ૯૩)
એ જ પ્રમાણે અલ્લામા વજીહુદ્દીન ગુજરાતી છે જેમણે પોતાના જીવનની એક એક ક્ષણ વસૂલ કરી અને અધ્યયન-અધ્યાપન, લેખન-પ્રવૃત્તિઓ અને કેળવણી તથા માર્ગદર્શન દ્વારા ગુજરાતને એક સંદર્ભ પ્રદેશ બનાવ્યો અને અલ્લામા મજ્દુદ્દીન મુહમ્મદ બિન તાહિર પટણી કોઈ પરિચયના મોહતાજ નથી. હદીષના જ્ઞાનમાં જે પકડ અને આલંકારિક અરબી ભાષામાં જે પ્રભુત્વ તેમણે મેળવ્યું હતું તેની કોઈ મિસાલ નથી મળતી. તે સહિત તેમના પુસ્તક “મજમએ બિહારુલ અનવાર”ની સ્વીકૃતિ કોઈની નજરથી ગુપ્ત નથી.
મુફ્તી કુત્બુદ્દીન નહરવાલે એટલા મહાન વિદ્વાન હતા કે અલ્લામા શૌકાનીને પોતાના પુસ્તક “અલ-બદરુત્તાલિઅ”માં તેમના વિશે લખવું પડ્યું:
’’ و لہ فصاحۃ عظیمۃ، یعرف ذلک من اطلع علی مؤلفہ ’’ البرق الیماني في الفتح العثماني ‘‘۔
અનુવાદ: “તેઓ મહાન સુવક્તવ્ય ધરાવતા હતા આ વાત તેમના લખાણોને વાંચનાર દરેક વ્યક્તિ જાણે છે.”
તેમના સિવાય “ઝફરુલ-વાલિહ બિમુઝફ્ફર વઆલિહ”ના લેખક આસિફી, “અન્નૂરુસ્સાફિર ફી અ’યાનિલ કર્નિલ આશિર”ના લેખક શેખ અબ્દુલ કાદિર બિન શેખ હઝરમી અને મશાઇખ તથા સૂફીસંતોમાં શેખ મુહમ્મદ ગૌસ ગ્વાલ્યરી, શેખ સિબ્ગતુલ્લાહ ભરૂચી. (૧૦૧૫ હિ), શેખ ઈસા જુન્દુલ્લાહ, સૈયદ અબ્દુર્રહીમ રિફાઈ સુરતી અને સૈયદ અબ્દુસ્સમદ ખુદાની, મૌલાના નઝીરી, ગુલઝારે અબરારના લેખક મુહમ્મદ ગૌસ શત્તારી અને અન્ય નામો છે.
એ જ રીતે સાહિત્ય-ક્ષેત્રની અગ્રણી વ્યક્તિઓમાં અલ્લામા બદરુદ્દીન મુહમ્મદ બિન અબૂ બકર અદ્દમામીની, જમાલુદ્દીન મુહમ્મદ બિન અબ્દુલ લતીફ અલ-જામી, શેખ અહમદ બિન અબ્દુલ મુઅતી બાકસીર, સિકતુદ્દૌલા મૌલાના અબ્દુસ્સમદ દબીર, મૌલાના અબ્દુલ્લાહ મુહમ્મદ બિન ઉમર આસિફી, મૌલાના અબૂ બકર બિન મુહસિન બાઅબુદ અલવી સુરતી અને અબ્દુર્રહીમ બૈરમ ખાન ખાના વગેરે મુખ્ય નામો છે.
અંતિમ યુગમાં, અલ્લામા અબ્દુલ અઝીઝ મૈમની રાજકોટી અને મૌલાના મુહમ્મદ સુરતીના સંશોધનોની ઉચ્ચતાનો સમકાલીન અરબી સાહિત્યના મહાન વિદ્વાનોએ સ્વીકાર કરવો પડ્યો. હઝરત મૌલાના સૈયદ અબુલ હસન અલી હસની નદવી (રહ.) લખે છે: “અરબ લેખકો અને સંશોધકો અરબી વિશે પ્રોફેસર અબ્દુલ અઝીઝ મેમણ અને મૌલાના મુહમ્મદ સુરતીના જ્ઞાનને તેમજ અરબી શબ્દભંડોળ અને વ્યાકરણ પરની તેમની ગહન દૃષ્ટિ અને તેમના જ્ઞાનની મહાનતો સ્વીકાર કરતા હતા.”
(હિંદુસ્તાની મુસલમાન એક તારીખી જાઇઝા પાન:૬૮)
ઉપરોક્ત પંક્તિઓ પરથી અંદાજો લગાવી શકાય છે કે કેવી મહાન અને નિષ્ણાત વ્યક્તિઓ, વિદ્વાનો, મુફસ્સિરીન અને મુહદ્દિસીન, સાહિત્યકારો અને કવિઓ, ધારા-શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને સંશોધકો, નેક, મુત્તકી અને અહલે દિલ વિદ્વાનો અને મશાઇખ પેદા થયા જેમણે શિક્ષણ અને કેળવણી, નસીહત અને માર્ગદર્શન, સમાજ-સુધાર અને ધર્મ-પ્રચાર, સંશોધન અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઘેરી છાપ અને ઊંડી અસર છોડી છે, તે પૈકી એક મહાન સમાજ-સુધારક અને ધર્મ-પ્રચારક “દીવાને મશાઇખ”ના લેખક હઝરત સૈયદ પીર મશાઇખ છે જેમના દ્વારા ગુજરાતમાં વિશેષ રીતે અહીંના મોમિન સમુદાયમાં સામાજ-સુધારા ક્ષેત્રે મહાન ક્રાંતિ આવી.
હઝરત પીર મશાઇખ (રહ.) (૧૦૬૦ હિ-૧૧૦૨ હિ)એ “મોમિન સમુદાય”માં નૈતિક ખરાબીની સુધારણા કરી અને તેમને સાચા માર્ગે લાવવાનો પ્રયત્ન કર્યો, એકેશ્વરવાદની માન્યતાનો પ્રસાર કર્યો, શિર્ક, બિદઅત અને અજ્ઞાનતાભર્યા કુરિવાજોનું નિવારણ કર્યું અને સંપૂર્ણ હિંમત સાથે ઇસ્લામિક ઉપદેશોને અપનાવવાનું આમંત્રણ આપ્યું.
હઝરત પીર મશાઇખ (રહ.)એ કોમની સુધારણા માટે કયારેક સલાહ-સૂચના, શિક્ષણ અને કેળવણી દ્વારા તો કયારેક વક્તવ્ય અને લેખન-પ્રવૃત્તિઓ દ્વારા શક્ય તેટલા પ્રયાસો કર્યા હતા. આ અંગે આપે ઘણી કિતાબો લખી તે પૈકી પ્રખ્યાત કિતાબ “દીવાને મશાઇખ” છે જે દીનની જરૂરી વાતો તેમજ ધાર્મિક માહિતીથી સભર છે, લખે છે: “હું એવો દીવાન લખવા માંગુ છું જેના દ્વારા મારા મુરીદોની ઉમેદો પૂર્ણ થાય, તેમને તેમાં ધર્મની સંપૂર્ણ માહિતી મળી જાય. અન્ય કોઈની જરૂરત ન રહે.” (નૂરનામા બયાન:૩૬). આ દીવાન ગુર્જરી ભાષામાં છે અને તેમાં તેર પ્રકરણ (પુસ્તકો) અને લગભગ ચાલીસ હજાર કાવ્યપંક્તિઓ છે અને હઝરત પીર મશાઇખે સાદા, અભણ, ગ્રામીણ અને રાગ અલાપવાના શોખીન લોકોનો ખ્યાલ રાખીને ગદ્યને બદલે પદ્યને અને રાગને પ્રાથમિકતા આપી અને સરળ શૈલીમાં વાત રજૂ કરી.
આ દીવાનમાં, “મોમિન સમુદાય”ના ઇતિહાસ અને સ્થાનિક વિદ્વાનો, સુધારકો અને ધર્મ-પ્રચારકોની ખિદમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમણે પોતાની કોમને સાચા ઇસ્લામનું આમંત્રણ આપ્યું, જેથી કોમમાં સારું પરિવર્તન આવ્યું અને બિદઅત તથા ખરાબ કર્મોનું નિવારણ થયું, આ દીવાનમાં રાફ્ઝીવાદ અને શીયાવાદની ગુમરાહીનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંબિયાએ કિરામ અને સહાબાએ કિરામ (ર.અ.)નો મહિમા, ખિલાફતનો ક્રમ,ખુલફાએ રાશિદીન અને અહલે બૈત તથા તેમનો દરજ્જો અને દીન માટે તેમની કુરબાનીઓનો અસરકારક ઉલ્લેખ છે.
હઝરત પીર મશાઇખ ખુલફાએ રાશિદીનને તમામ સહાબામાં સર્વોચ્ચ દરજ્જે માનતા હતા, બલ્કે, આપ તે સજ્જનો સાથે પ્રેમ અને સંબંધને પોતાનો અકીદો બતાવે છે, કહે છે કે, “મારા અકીદામાં કોઈ શંકા કારશો નહીં, જો કોઈ મને અહલે સુન્નત વલજમાત સિવાય બીજા મજહબ સાથે જોડશે તો કયામતના દિવસે હું તેની વિરુદ્ધ દાવો કરીશ અને દાવેદાર બનીને ઇન્સાફની માંગ કરીશ, મારો અકીદો ચારયારી છે અને હું તેના પર અલ્લાહને સાક્ષી બનાવું છું,નબી (સ.અ.વ.) પછી ચારયારો કરતાં મહિમાવાન કોઈ નથી તે પૈકી પ્રથમ હઝરત અબૂ બકર છે, પછી હઝરત ઉમર, પછી હઝરત ઉસ્માન અને હઝરત અલી (ર.અ.) છે તેમને અમીરુલ મોમિનીન જાણો.”
હઝરત પીર મશાઇખ (રહ.)એ પોતાના પુસ્તક “દીવાને મશાઇખ”માં અભણ લોકોને દીનની જરૂરી વાતોથી વાકેફ કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં તેમણે પયગંબર (સ.અ.વ.)નું જીવન, ખુલફાએ રાશિદીનનો મહિમા, અકીદા તથા ઇબાદતો, વુઝૂ, નમાઝ, રોજા, હજ, ઝકાત વગેરે બાબતોનો બિલકુલ સરળ ભાષામાં ઉલ્લેખ કર્યો છે, અને દીનની મૂળભૂત તાલીમ તરફ ધ્યાન દોર્યું છે અને તેમને શિર્ક તેમજ બિદઅતોથી દૂર રહેવા, શુદ્ધ એકેશ્વરવાદ અને ધર્મનું પાલન કરવાની સલાહ આપી છે.
“દીવાને મશાઇખ” મૂળ ગુર્જરી ભાષામાં છે જેને અત્યારે બહુ ઓછા લોકો સમજી શકે છે, અને તેનાં ત્રણ હજાર પેજ છે, તેનો સારાંશ ઉર્દૂ અને પ્રચલિત ગુજરાતી ભાષામાં રજૂ કરવો જરૂરી હતો જેથી નવી પેઢી તેનો લાભ લઈ શકે. તેથી, પ્રિય અને આદરણીય હાજી યાસીન સાહેબની પ્રેરણા અને પ્રોત્સાહન પર, મૌલાના મુહમ્મદ યાસીન સાહેબ કાકોશીની સલાહ અને માર્ગદર્શન હેઠળ, મૌલવી મુહમ્મદ ઇમરાન વાધણા, પાલનપુરી નદવી (દારુલ ઉલૂમ નઝીરિયા કાકોશીના શિક્ષક)એ આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું, જે ખૂબ જ અમૂલ્ય અને વખાણવા લાયક છે. તેમણે પ્રથમ ગુર્જરીથી ઉર્દૂમાં અનુવાદ કર્યો અને પછી મૌલવી અહમદ સાહેબ કોઈટાએ ઉર્દૂથી ગુજરાતીમાં અનુવાદ કર્યો જેથી તેનો મહત્તમ લાભ લઈ શકાય અને હવે આ મહત્વપૂર્ણ અને ઉપયોગી પુસ્તક માનનીય ઇસ્માઈલ યાસીન ભોલા નદવીના પ્રયાસ હેઠળ પ્રકાશિત થવા જઈ રહ્યું છે, અમારી દુઆ છે કે અલ્લાહ આ કાર્યને કબૂલ ફરમાવે અને મુબારક ફરમાવે, (આમીન).
(હઝરત મૌલાના સૈયદ) મુહમ્મદ રાબિઅ હસની નદવી
નાઝિમ નદ્વતુલ ઉલમા લખનૌ
૧૫/ જુમાદસ્સાનિયા ૧૪૪૪ હિ
૮/ જાન્યુઆરી ૨૦૨૩ ઈસ્વી
