પ્રાર્થનાવચન | (હઝરત મૌલાના) મુહમ્મદ કમરુઝ્ઝમા (સાહેબ) ઇલાહાબાદી
March 28, 2024હઝરત પીર મશાઇખ (રહ.)ના લખાણોની અસર અને કોમના સુધારામાં તેમની ભૂમિકા
March 28, 2024આમ તો પાલનપુર, કાઠિયાવાડ (ગુજરાત) અને મુંબઈમાં રહેતી મોમિન કોમે લગભગ આઠમી સદી હિજરીમાં સૈયદ કબીરુદ્દીન હસન (૭૧૫-૮૯૫ હિજરી)ના હાથે ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો હતો, પરંતુ આપ એક પ્રવાસી હોવાને લીધે આપનો નિવાસ અહીં કાયમી નહતો, માટે કોમનો યોગ્ય ધાર્મિક સુધારો અને કેળવણી થઈ શકી નહતી અને પછી આપના ઉત્તરાધિકારીઓ અને સંતાનોમાં પણ કોઈ એવો સજ્જન પેદા ન થયો જે આ કોમની સંપૂર્ણ સુધારણા અને કેળવણી કરી શકે, ભલે મોમિન કોમ સૈયદ મશાઇખ (હઝરત પીર મશાઇખ (રહ.)ના પેઢીનામામાં એક બુઝુર્ગ)ને લાહોરથી કડી લાવી હતી અને તેમણે અને તેમના સુપુત્ર સૈયદ અબુલ હસને શક્ય તેટલા પ્રયાસો કર્યા હતા પરંતુ સંપૂર્ણ સફળતા મેળવી ન હતી.
બલ્કે, સાચી વાત તો એ છે કે “સૈયદ કબીરુદ્દીન હસન” પછી કોમની ધાર્મિક સ્થિતિ એવી હતી કે જો પીરના દિલમાં ખુદાનો ડર હોતો તો ઠીક, નહીં તો ખુદાથી ન ડરનારા પીરોએ તેમનાં ધર્મ ને દુનિયાને ખૂબ લૂંટયાં છે.
પછી કોમને હઝરત પીર મશાઇખ (રહ.)ના રૂપમાં એક પરોપકારી અને શુભેચ્છક સમાજ-સુધારક મળ્યો અને આપે કોમને સુધારવા માટે તમામ પ્રયાસો કર્યા, તે દરમિયાન આપે કોમને એક લેખિત માર્ગદર્શિકા આપવાની જરૂરત પણ અનુભવી જેથી આપના બાદ પણ તેમને માર્ગદર્શન મળતું રહે અને કોઈ ગુમરાહ પીર તેને સાચા રસ્તેથી હટાવી ન શકે. માટે, આપે એક દીવાન લખ્યો જેમાં આપે પોતાની સાથે જોડાયેલા લોકોની ધાર્મિક જરૂરિયાતની સંપૂર્ણ સામગ્રી રજૂ કરી દીધી હતી જેની ઉપસ્થિતિમાં બીજી બાજુ જોવાની જરૂર ન પડે, અતઃ આપ લખે છે કે “હું એવો દીવાન લખવા માંગુ છું કે તેના દ્વારા મારા શિષ્યોની ઉમેદો પૂર્ણ થાય, તેમને ધર્મની સંપૂર્ણ હકીકત તેમાં મળી જાય અને અન્ય કોઈ વસ્તુની જરૂરત ન રહે.”
(બયાન નૂરનામા:-૩૬,શેર:૧૯-૨૦)

હઝરત પીર મશાઇખ (રહ.)ના આ દીવાનમાં ગુર્જરી ભાષામાં તેર પ્રકરણ (પુસ્તકો) અને લગભગ ચાલીસ હજાર કાવ્યપંક્તિઓ છે અને કેમ કે તે સમયે આપના સંબોધ્ય એકદમ સાદા, અભણ અને ગામડાના રહેવાસીઓ હતા અને સામાન્ય ગ્રામજનોની જેમ તેઓ રાગ અલાપવાના અને ગાવાના શોખીન હતા. તેથી, હઝરત પીર મશાઇખ (રહ.)એ કોમના આ સ્વભાવને ધ્યાનમાં રાખીને ગદ્ય કરતાં પદ્યને પ્રાથમિકતા આપી અને તેમાં પણ આપે પદ્ય કરતાં રાગને વધુ મહત્ત્વ આપ્યું છે અને લેખ પણ ખૂબ જ સરળ શૈલીમાં એટલી હદે વિસ્તૃત અને પુનરાવર્તી છે કે વીસ બાવીસ કાવ્યપંક્તિઓ ધરાવતા કાવ્યમાં વર્ણવેલ લેખને ચાર કે પાંચ પંક્તિઓમાં રજૂ કરી શકાય છે, તેથી, દીવાનમાં ચાલીસ હજાર કાવ્યો, તેર પ્રકરણો (પુસ્તકો) અને લગભગ ત્રણ હજાર પાનાં હોવા છતાં તેના લેખો અર્થઘટન સ્વરૂપે ચારસો કે પાંચસો પાનાંમાં રજૂ કરી શકાય છે.
