દીબાચો
November 24, 2023અભિપ્રાય – (હઝરત મુફ્તી) મુહમ્મદ અમીન (સાહેબ) પાલનપુરી
January 30, 2024પ્રસ્તાવના
الحمد لله ربِّ العٰلمين والصلوة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه ومن تبعهم بإحسان الى يوم الدين – أما بعد
આજથી લગભગ ત્રણ સદીઓ પહેલાં ગુજરાતમાં આબાદ “મોમિન સમુદાય” (અહીં મોમિનનો અર્થ ઈમાનવાળા છે, કોઈ વ્યવસાય તરફ નિસ્બત નથી, તેમને ગુર્જરી ભાષામાં મોમના કહેવાય છે)ની નૈતિક, ધાર્મિક અને શૈક્ષણિક પરિસ્થિતિ કંઈક આ પ્રમાણે હતી કે પૂરી કોમ સામાન્યપણે અજ્ઞાનતાથી ગ્રસ્ત હતી, જૂઠા અને તથાકથિત પીરોનું વર્ચસ્વ હતું, શિર્ક, બિદઅતો તેમજ કુરિવાજોનું જાહેર પ્રચલન હતું, જેના વિરુદ્ધ બોલવું સામાજિક અને નૈતિક ગુનો હતો, અને કંઈક વખત આવા માણસને વિદ્રોહી અને દુશ્મન સમજીને સામાજિક બહિષ્કારની કડવી મજા ચખાડવામાં આવતી હતી, આવી અવર્ણનીય પરિસ્થિતિમાં અલ્લાહ તઆલાએ ગુજરાતના અમુક વિસ્તારોમાં સમાજ-સુધારાના પરિવર્તન માટે મહાન સમાજ-સુધારક હઝરત પીર મશાઇખ (રહ.) (૧૦૬૦ હિ-૧૧૦૨ હિ)ને કરમનું વાદળ બનાવીને મોકલ્યા, તે સમયે ઔરંગઝેબ આલમગીર (રહ.)નો શાસનકાળ હતો.
હઝરત પીર મશાઇખ (રહ.)ની મહેનતનું મેદાન “બરોડા, અમદાવાદ, કડી, કલોલ, અને સૌરાષ્ટ્રના આસપાસ”ના વિસ્તારો હતા, અને ઉત્તર ગુજરાતમાં આબાદ “મોમિન સમુદાય” પણ મોટા ભાગે ખેતીવાડી અને મજૂરીની શોધમાં ત્યાંથી જ સ્થળાંતર કરીને આવ્યો હતો.
આપે કોમના સુધારા માટે મૌખિક ઉપદેશ ઉપરાંત પ્રભાવશાળી કલમ વડે વિવિધ કિતાબો પણ લખી, આમ તો આપે અનેક નાની-મોટી કિતબો લખી જે પોતાના વિષયમાં અદ્વિતીય છે પરંતુ આપની લેખન કૃતિઓમાં જે ખ્યાતિ અને આમ તથા ખાસ લોકોમાં જે લોકપ્રિયતા દીવાને મશાઇખને મળી, તે અન્ય કોઈ કિતાબને ન મળી શકી, આ કિતાબ ગુર્જરી ભાષામાં છે, જે ગુજરાત, અમદાવાદ અને તેના આજુબાજુના વિસ્તારોની તત્કાલીન પ્રચલિત ભાષા હતી અને નાના ને મોટા હરકોઈ આ ભાષા બોલતા ને સમજતા હતા, હઝરત પીર મશાઇખ (રહ.)એ પદ્ય શૈલીમાં અભણોને દીનની વાતો સમજાવી, લગભગ ચાલીસ હજાર કાવ્યપંક્તિઓ માં અકાઇદ, ઇબાદાત, ગઝ્વાત, સીરતે પાક, સહાબા તેમજ ખાસ કરીને ખુલફાએ રાશિદીનનું જીવન-ચરિત્ર, ઇસ્લામની સામાજિક તેમજ વ્યવહારિક તાલીમ, નૈતિકતા અને સૂફીવાદ તેમજ માનવ-જીવન સંબંધિત જરૂરી મસાઇલ અને ફઝાઇલનું પદ્ય શૈલીમાં બહુ સરસ રીતે વર્ણન કર્યું છે અને સમકાલીન કોમ અભણ હોવાના કારણે એક એક વાતને પુનરાવર્તન સાથે વિવિધ શૈલીમાં બયાન કરી છે, અતઃ આપ કિતાબની આ વિશિષ્ટ ખૂબીને વર્ણવતાં લખે છે:
મેં ચાહું દીવાન એ ઐસા રે બનાવા
કામ રે મુરીદ કા હોવે પૂરા રે ભાવા
ઓર દેખને કી ઉસે હાજત ના રેવે
દીન કી હકીકત સબ ઇસમા થી લેવે
અનુવાદ:- હું એવો દીવાન લખવા માંગુ છું કે તેના દ્વારા મારા શિષ્યોની સંપૂર્ણ જરૂરત પૂરી થઈ જાય, તેમને અન્ય કોઈ કિતાબની જરૂરત ન પડે. બધી દીની વાતો આ દીવાનમાં જ મળી જાય.
આ કિતાબ (દીવાને મશાઇખ) હકીકતમાં તેર કિતાબોનું સંકલન છે, અને દરેક કિતાબને ફસલ (પ્રકરણ) નામ આપ્યું છે.
પ્રથમ કિતાબ:- “નૂરનામા” જેમાં આપે આકાશ અને જમીનનું સર્જન, આદમ (અ.સ.)નો જન્મ, હુઝૂર (સ.અ.વ.)નો મુબારક જન્મ, આપનું પેઢીનામું, વહી (ઈશવાણી)ની શરૂઆત, બિલકુલ શરૂઆતમાં ઇસ્લામ સ્વીકારનારા લોકોની ઘટનાઓ વગેરે પર બહુ સરસ રીતે પ્રકાશ પાડ્યો છે.
બીજી કિતાબ:- “મેઅરાજનામા” જેમાં આપે મેઅરાજની ઘટનાની વિગત, જન્નત અને જહન્નમનો વિગતવાર અહેવાલ વગેરેનો ઉલ્લેખ કર્યો છે, તદુપરાંત ઠેરઠેર આ ભ્રામક અકીદાની હકીકત પણ સ્પષ્ટ કરી છે કે પીર જન્નતનો ઠેકેદાર હોય છે ભલે તે અમલથી દૂર કેમ ન હોય.
ત્રીજી કિતાબ:- “ગઝ્વાત” જેમાં એ જંગોનો ઉલ્લેખ છે જે આપ (સ.અ.વ.)એ અને આપના વફાદાર સહાબાએ દીન અને ઈમાનની સુરક્ષા તેમજ ઉન્નતિ માટે લડી હતી, લેખકે જંગની આ દાસ્તાનને એ રીતે ઉત્સાહપૂર્વક વર્ણવી છે કે જેને વાંચીને નસોમાં જિહાદનો જોશ અને શાહદતનો શોખ ઊભરી આવે છે.
ચોથી કિતાબ:- “ગિર્દિય્યા” (સીરતે નબવી) જેમાં હુઝૂર (સ.અ.વ.)નાં સદ્ગુણો, સુટેવો, સ્વભાવ અને નૈતિકતા વગેરેનું વર્ણન કર્યું છે, તે સિવાય આપ (સ.અ.વ.)નાં મુબારક નામ, પવિત્ર બીબીઓ અને આપનાં સંતાનો વિશે પણ ઉલ્લેખ કર્યો છે.
પાંચમી કિતાબ:- “મોજિઝાત” જેમાં આપ (સ.અ.વ.)ના મોજિઝાત (ચમત્કારો), પ્રકૃતિમુક્ત અસાધારણ કામો અને ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ કર્યો છે, સાથોસાથ ઔલિયાએ કિરામની કરામતો અને તે સંદર્ભમાં પોતાની કરામતોનો પણ ઉલ્લેખ કર્યો છે અને આપની દુઆઓ દ્વારા આલમગીર (રહ.)ને જે વિજયો પ્રાપ્ત થયા તેમનો પણ ઉલ્લેખ કર્યો છે.
છઠ્ઠી કિતાબ:- “વિસાલનામા” જેમાં નબી પાક (સ.અ.વ.)ના કાકા, ફોઇઓ, ગુલામો અને દાસીઓ તેમજ આપના જાનવરો અને હથિયારોનો ઉલ્લેખ છે, સાથોસાથ સમકાલીન બાદશાહોને ઇસ્લામના આમંત્રણ કાજે જે પત્રો લખ્યા હતા તેમનો પણ ઉલ્લેખ છે. પછી આપ (સ.અ.વ.)ની વફાત, કફન-દફન અને વફાત પહેલાં સહાબાએ કિરામને વસિયત ફરમાવવાના ઉલ્લેખ સહિત અંતે દુરૂર શરીફના ફઝાઇલનો વિગતવાર ઉલ્લેખ છે.
સાતમી કિતાબ:- “ખુલફાએ રાશિદીન” જેમાં ખુલફાએ રાશિદીનના સદ્ગુણો અને ખૂબીઓ, તેમની ઇમામત અને ખિલાફતનો મુદ્દો, તેમની સાથે પ્રેમની તાકીદ અને દુશ્મનો માટે વઈદ (ચેતવણી), તે સિવાય તેમની શહાદતની ઘટનાઓ વગેરે બાબતે પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આઠમી અને નવમી કિતાબ:- “મકતૂલનામા” જેના બે ભાગ છે, જેમાં કરબલાની ઘટના ને હઝરત હુસેન (ર.અ.) અને આપના કુટુંબીજનોની ભયાનક શહાદતની ઘટના અને બીજા ઇમામોની ઘટનાઓનું વર્ણન કર્યું છે, તદુપરાંત હઝરત હુસેન (ર.અ.)એ પોતાના કુટુંબીજનોને બચાવવા માટે તકિય્યા અને જૂઠનો આશરો લીધો ન હતો તેના વર્ણન સહિત સૈયદોની ફઝીલતમાં અતિશયોક્તિ કરનારા લોકો માટે આપે બતાવ્યું કે ઈમાન અને નેક અમલ વિના કેવળ સૈયદ હોવું પર્યાપ્ત નથી, વગેરે વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દસમી ને અગિયારમી કિતાબ:- “ઈમાનનામા” બે ભાગોમાં છે, જેમાં ઈમાને મુફસ્સલનું વર્ણન છે.
બારમી અને તેરમી કિતાબ:- “ઇબાદતનામા” આના પણ બે ભાગ છે, આ કિતાબમાં આપે મુજતહીદ ઇમામો (ઇમામ અબૂ હનીફા, ઇમામ શાફઈ, ઇમામ માલિક અને ઇમામ અહમદ)નો ઉલ્લેખ કર્યો છે, અને ચારેય મજહબ સત્ય છે એવું વિગતવાર વર્ણવ્યું છે, તદુપરાંત વુઝૂ, નમાઝ, રોજા, હજ, જકાત વગેરેના મસાઇલને અંશતઃ વિગત સાથે રજૂ કર્યા છે, તે સિવાય આ જ કિતાબમાં આપે પોતાનો મસ્લક અહલે સુન્નત વલજમાત જાહેર ફરમાવ્યો છે, અતઃ આપ ફરમાવે છે:
મત અકીદા મો કોઈ શક રે લાના
કે સુન્નત જમાત બિન મોજે રે બતાના
મેં કયામત રે દિન ઉસે દાવા હી કરા હું
હો મુદ્દઈ ઉસ કા મેં દાહ રે ચાહું
કે ચારયારી મેરા અકીદા સહી
મેં ગવાહ કરતા હું વે જે આપ દહી
અનુવાદ:- આપ (રહ.) ફરમાવે છે કે મારા અકીદામાં કોઈ શંકા કરશો નહીં, અને જો કોઈ અહલે સુન્નત વલજમાત સિવાય બીજા અકીદાને મારો અકીદો બતાવશે તો કયામતના દિવસે હું તેની વિરુદ્ધ દાવો કરીશ કે ચારયારી મારો અકીદો છે અને હું તેના પર અલ્લાહ તઆલાને ગવાહ બનાવું છું.
હઝરત પીર મશાઇખ (રહ.)ની લેખન-કૃતિઓમાં આ તેર કિતાબો સિવાય “હાદી ધરમ” (જે જૈન ધર્મના ખંડનમાં લખવામાં આવી છે) અને “તરીકત” નામક કિતાબ પણ પ્રકાશિત થયેલ છે, જેમાં પીરી-મુરીદીની હકીકત અને પીરમાં કઈ શરતો અને સદ્ગુણો હોવા જોઈએ વગેરે વાતો વર્ણવવામાં આવી છે.
આજે પણ અમદાવાદ, બરોડા, કડી અને કલોલ વગેરેના આસપાસના વિસ્તારોમાં તેમજ પાલનપુર આસપાસ ઘણી મોટી સંખ્યામાં આપ (રહ.)ને ચાહનારા બલ્કે શ્રદ્ધાળુ લોકો મોજૂદ છે, પરંતુ સમય સાથે અને સમાજ-સુધારાની પરંપરા બાકી ન રહેવાના કારણે અમુક જમાતો ખરાબ અકીદા અને કુરિવાજોની ભોગ બનીને હઝરતની તાલીમથી બહુ દૂર થઈ ગઈ છે, પરંતુ તેમના પૂર્વજોની હઝરત પીર મશાઇખ (રહ.) પ્રતિ અકીદતના કારણે ક્યારેક તેમના ભીતર આ સવાલ ઉદ્ભવે છે કે વર્તમાન સમયમાં આપણે જે મજહબ પર છીએ તે હઝરત પીર મશાઇખ (રહ.)ની તાલીમ મુજબ છે કે નહીં?
વાસ્તવમાં આ સવાલ અઝલ (અનાદિકાળ)ના એકરાર ”ألَسْتُ بِرَبِّکُمْ قَالُوْا بَلٰی “ની પૃષ્ઠભૂમિમાં છે અને આ હિદાયતની તલબનું પ્રતીક છે.
બીજી બાજુ આપની તાલીમ સંપૂર્ણપણે ગુર્જરી ભાષામાં છે, જેની લિપી પણ ગુજરાતી ભાષાથી જુદી છે, અને આજે આ ભાષાથી આમ લોકોને તો છોડો ખાસ લોકો પણ વાકેફ નથી, માટે આનું અર્થઘટન બહુ મુશ્કેલ હતું, પરંતુ સત્યની શોધ એક એવી હકીકત છે જેના માટે દરેક મુશ્કેલ કામ સરળ થઈ જાય છે. બંદો એ જ પરેશાનીમાં હતો કે એ દરમિયાન પોતાના અમુક રિશ્તેદારો માટે હિદાયતની ઇચ્છા ધરાવનાર, દયાળુ, અમારા અતિ-નિકટ ચાહક અને પ્રિય મૌલાના ઇસ્માઈલ સાહેબ નદવીના આદરણીય પિતા હાજી યાસીન દાઉદ ભોલા ફિરોજપુરીએ પોતાની હાર્દિક બેચેની અને અમુક સ્વપ્નોની પૃષ્ઠભૂમિ સંભળાવી તો કામ કરવાની પ્રેરણા મળી, સ્વયં બારી તઆલાનું ફરમાન છે:
“إِنَّهُ لاَ يَيْأَسُ مِن رَّوْحِ اللهِ إِلَّا الْقَوْمُ الْكَافِرُونَ”
અલ્લાહ તઆલાની રહમતથી એ જ લોકો નિરાશ થાય છે જે તેને અસ્વીકારે છે.
માશાઅલ્લાહ! અમારા જામિઆના આદરણીય ઉસ્તાઝે અદબ વ ફિકહ મૌલાના ઇમરાન નદવી પાલનપુરી સાહેબ ગુર્જરી ભાષાથી પરિચિત છે, અને તેમણે આપમેળે દીવાને મશાઇખના અમુક ભાગોનો અનુવાદ પણ કરી લીધો હતો, મૌલાના સાથે દીવાને મશાઇખ પર કામ કરવા અંગે ચર્ચા થઈ, કેમ કે પાલનપુરના વિસ્તાર (બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા વગેરે જિલ્લાઓ) અને કાઠિયાવાડમાં આગાખાની સિવાય બાકી બધા સંપ્રદાયો હઝરત પીર મશાઇખ સાથે અકીદત ધરાવે છે, જો આ લોકો સાચા દિલથી હિદાયતની તલબ અને સંપૂર્ણ અકીદત સાથે હઝરતના બયાનો ગુર્જરી ભાષા (બોડિયા અક્ષર જે આ ભાષાની વિશેષ લિપિ છે)માં વાંચશે,તો ઇન્શાઅલ્લાહ! અંતરની અવાજ અને દર્દનો ઉપાય મેળવશે.
لَعَلَّ اللهَ يُحْدِثُ بَعْدَ ذٰلِكَ أَمْرًا
તદુપરાંત, હઝરતનો દીવાન લગભગ ત્રણ સદીઓ પહેલાં લખાયો હતો, તે સમયે પૂરી કોમ દીનની પ્રાથમિક વાતોથી પણ વાકેફ ન હતી, માટે હઝરત પીર મશાઇખે એક જ વાતને અનેક વખત વિવિધ શૈલીમાં બયાન ફરમાવી છે, જેથી કોમના દિલ તથા મગજમાં આ વાતો ઊતરી જાય, જોકે આજે શૈક્ષણિક અને સાંસ્ક્રુતિક યુગ છે, લોકો સંક્ષિપ્તવાદી હોવાને કારણે પુનરાવર્તનથી અણગમો અનુભવે છે,એ કારણસર દીવાને મશાઇખનો સંક્ષિપ્ત સાર ઉર્દૂ તથા ગુજરાતી ભાષામાં લખવામાં આવ્યો છે, અને દલીલ સ્વરૂપે અસલ દીવાનની ગુર્જરી લિપિનો ફોટો પણ સામેલ કરી દીધો છે, જેથી ભાષાથી માહિતગાર લોકો તેને સરખાવી જોઈ શકે.
જ્યારે આ કિતાબના પ્રાથમિક ભાગનો મુસદ્દો તૈયાર થયો તો અમારા પીર વ મુરશિદ હઝરત અકદસ મૌલાના રાબિઅ સાહેબ હસની ઝીદ મજ્દુહુમની ખિદમતમાં રજૂ કર્યો, હજરતે બહુ ખુશી વ્યક્ત કરી અને તેના પર દીબાચો લખીને કિતાબના સૌંદર્યને બમણું કરી દીધું.
આ કામ ભલે લાંબું અને સમય માંગી લે તેવું હતું, પરંતુ માનનીય હાજી યાસીન સાહેબ ભોલા ફિરોજપુરીની ફિકર, સહાયતા અને પ્રેરણા અને માનનીય મૌલાના ઇમરાન સાહેબ નદવી સલ્લમહૂની લગનના કારણે એક વર્ષની મુદ્દતમાં સમાપ્તિના તબક્કે પહોંચી ગયું છે. કઠોર પરિશ્રમ સાથે ગુર્જરીથી ઉર્દૂમાં ભાષાંતર કર્યા પછી ઉર્દૂથી ગુજરાતીમાં ભાષાંતર કરવામાં જામિઆના ઉસ્તાઝ મૌલાના અહમદ સાહેબ કોઇટાએ સખત પરિશ્રમ કર્યો.
બંદો આ તમામ હઝરાતનો હૃદયપૂર્વક આભારી છે અને દુઆ કરું છું કે બારી તઆલા ઉપર્યુક્ત તમામ હઝરાતને અને જેણે પણ કોઈ રીતે મદદ કરી હોય તે તમામને શ્રેષ્ઠ બદલો અર્પણ કરે. આમીન
મુહમ્મદ યાસીન કાકોશી મઝાહિરી
ખાદિમ દારુલ ઉલૂમ જામિઆ નઝિરીયા કાકોશી
૯/ જુમાદલ આખર ૧૪૪૪ હિજરી, સોમવાર
