પ્રસ્તાવના
January 30, 2024અભિપ્રાય – (મૌલાના) અબ્દુલ કૂદ્દૂસ (સાહેબ નદવી) ઉફિય અન્હુ પાલનપુરી
February 7, 2024અભિપ્રાય
الحمد للہ و سلام علی عبادہ الذین اصطفی، اما بعد
હઝરત પીર મશાઇખ (રહ.) (૧૦૬૦ હિ-૧૧૦૨ હિ)એ મોમિન સમુદાયના સુધારા માટે શક્ય તેટલા પ્રયત્નો કર્યા હતા, ક્યારેક ઉપદેશો તથા શિક્ષણ દ્વારા, અને ક્યારેક ભાષણો તથા લખાણો દ્વારા. તેમણે આ સંદર્ભે ઘણાં પુસ્તકો લખ્યાં, તે પૈકી પ્રખ્યાત અને અજોડ પુસ્તક “દીવાને મશાઇખ” છે, જેમાં ધાર્મિક જરૂરિયાતો અને ધાર્મિક જ્ઞાનનો સંપૂર્ણ ઉલ્લેખ છે. તેઓ પોતે લખે છે:
“હું એવો દીવાન લખવા માંગુ છું કે તેનાથી મારા શિષ્યોની આશાઓ પૂરી થાય, દીનની સંપૂર્ણ વાસ્તવિકતા તેમને એમાં જ મળી જાય અને તેના સિવાય અન્ય કોઈની જરૂરત બાકી ન રહે.”
નૂરનામા,બયાન: ૩૬
આ દીવાન ગુર્જરી ભાષામાં છે અને તેના તેર પ્રકરણો (પુસ્તકો) છે જે લગભગ ૪૦૦૦૦ કાવ્યપંક્તિઓથી સભર છે અને હઝરત પીર મશાઇખે સાધારણ નિરક્ષર ગ્રામીણ અને રાગ અલાપવાની ટેવ ધરાવનાર સંબોધ્યોનો ખ્યાલ રાખીને આમાં ગદ્યને બદલે પદ્યને પ્રાથમિકતા આપી છે અને સરળ ભાષામાં વાત રજૂ કરી છે.
દીવાને મશાઇખ મૂળ રીતે ગુર્જરી ભાષામાં છે જેને અત્યારે બહુ ઓછા લોકો સમજી શકે છે માટે, તેનો સારાંશ ઉર્દૂ અને પ્રચલિત ગુજરાતી ભાષામાં રજૂ કરવાની જરૂરત હતી જેથી નવી પેઢી લાભ લઈ શકે અને લોકોને જાણવા મળે કે હઝરત પીર મશાઇખ કયા મસ્લકને અનુસરતા હતા ? એમાં કોઈ શંકા નથી કે આપ શીયા ન હતા બલ્કે અહલે સુન્નત વલ્જમાતના મસ્લક પર હતા પરંતુ અમુક માણસો લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે આપ શીયા હતા જ્યારે આપ પોતે ફરમાવે છે કે :
અનુવાદ:-“મારા અકીદામાં કોઈ શંકા કરશો નહીં, અને જો કોઈ અહલે સુન્નત વલજમાત સિવાય બીજા અકીદાને મારો અકીદો બતાવશે તો કયામતના દિવસે હું તેની વિરુદ્ધ દાવો કરીશ કે ચારયારી મારો અકીદો છે (અર્થાત્ હું ચારેય ખલીફાઓને માનું છું) અને હું તેના પર અલ્લાહ તઆલાને ગવાહ બનાવું છું.”
અત્યંત પ્રસન્નતાની વાત છે કે આદરણીય જનાબ હાજી યાસીન દાઉદ ભોલા ફીરોજપુરી સાહેબના પ્રોત્સાહનથી હઝરત મૌલાના મુહમ્મદ યાસીન સાહેબ કાકોશી (મોહતમિમ દારુલ ઉલૂમ જામિઆ નઝીરિયા કાકોશી) દા. બ. ની સલાહ અને માર્ગદર્શન હેઠળ મૌલવી મુહમ્મદ ઇમરાન પાલનપુરી નદવી (દારુલ ઉલૂમ જામિઆ નઝીરિયા કાકોશીના ઉસ્તાદ)એ આ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કર્યું જે અતિ મૂલ્યવાન અને પ્રશંસનીય છે, મૌલાનાએ પ્રથમ ગુર્જરી ભાષાથી ઉર્દૂમાં ભાષાંતર કર્યું પછી આ જ મદ્રસાના ઉસ્તાદ મૌલવી અહમદ કોઈટાએ ઉર્દૂથી ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો, જેથી વધારે લાભદાયી નીવડી શકે, જે લોકોએ “દીવાને મશાઇખ”ને નવું રૂપ આપવા તથા તેને સરળ કરવામાં ભોગ આપ્યો છે અને જે લોકોએ આ કાર્યમાં સહાયતા કરી છે તે તમામને અલ્લાહ તઆલા શ્રેષ્ઠ બદલો અર્પણ કરે અને આ કિતાબ “સારાંશ દીવાને મશાઇખ”ને બહુ લોકપ્રિયતા આપે, આમીન યા રબ્બલ આલમીન.
(હઝરત મુફ્તી) મુહમ્મદ અમીન (સાહેબ) પાલનપુરી
ખાદિમે હદીષ વ ફિકહ વ તરતીબે ફતાવા દારુલ ઉલૂમ દેવબંદ
૯મી શઅબાન, ૧૪૪૪ હિ., ૨/માર્ચ ૨૦૨૩ ઈ.
ગુરુવાર
