અભિપ્રાય – (મૌલાના) અબ્દુલ કૂદ્દૂસ (સાહેબ નદવી) ઉફિય અન્હુ પાલનપુરી
February 7, 2024ગૂર્જરી ભાષાના એક અતિમૂલ્યવાન ગ્રંથ “સારાંશ દીવાને મશાઇખ”ના પ્રકાશન ટાણે અભિપ્રાય
February 7, 2024અભિપ્રાય
الحمد للہ و کفی و سلام علی عبادہ الذین اصطفی اما بعد
સૃષ્ટિના સર્જનહારે હંમેશાં પોતાના બંદાઓ માટે શારીરિક અને આધ્યાત્મિક કેળવણીની વ્યવસ્થા ફરમાવી છે, દરેક યુગમાં પયગંબરો અને તેમના અનુગામીઓએ દિશાસૂચક સિતારાની જેમ ભૂમિ તથા સમુદ્રમાં માર્ગ બતાવ્યો છે. અલ્લાહના આ તૌફીક પામેલ બંદાઓએ માર્ગદર્શક નીરદ બનીને હૃદયની મૃત ભૂમિને પુનર્જીવિત કરી ફળદ્રુપ બનાવી છે. ભારતની ધરતી પણ દરેક યુગમાં શરિયત અને તરીકતનો માર્ગ સૂચવતા પવિત્ર અસ્તિત્વથી આબાદ રહી છે. હદીષ-શાસ્ત્રીઓ, ઇસ્લામિક ધારાશાસ્ત્રીઓ અને મશાઇખોએ આ દેશને સારી રીતે ઉછેર્યો છે, જેનું સૌંદર્ય દરેક યુગમાં જોવા મળી છે.
અગિયારમી સદી હિજરીના છઠ્ઠા દાયકાના અંતે આધ્યાત્મિક કેળવણીકાર, સાચા માર્ગદર્શક અને મહાન સમાજસુધારક પીર સૈયદ મશાઇખ (રહ.) પેદા થયા અને આપે ગુજરાતમાં મોટી સંખ્યા ધરાવતી કોમની દુર્દશાનો સુધારો કર્યો, માન્યતાઓ, બંદગીઓ, પરસ્પર વ્યવહાર, રહેણીકરણી તેમજ નૈતિકતા પૈકી દરેક ક્ષેત્રે આપે જ્ઞાન આપ્યું. આપે એક અજ્ઞાની કોમને તત્કાલીન પ્રચલિત ગુર્જરી ભાષામાં કાવ્ય સ્વરૂપે ધર્મ-જ્ઞાન આપ્યું, ચાળીસ હજાર કાવ્યપંક્તિઓનો દીવાન આપનો એક જીવંત ચમત્કાર છે, હઝરતનો આ દીવાન સુરક્ષિત રાખવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે, જેનો એક ઇતિહાસ છે, કેટલાક ખુદાના બંદાઓએ પોતાની સંપત્તિ ખરચ કરીને તેને સુરક્ષિત રાખવાનો સફળ પ્રયાસ કર્યો છે જેનો અંશતઃ ઉલ્લેખ સવાનિહે નઝીરીની નવી આવૃત્તિમાં જોઈ શકાય છે. આ દીવાને મશાઇખની લિપિ ગુર્જરી ભાષામાં એક વિશિષ્ટ પ્રકારની છે જેને વાંચનારા અને સમજનારા બહુ આછી સંખ્યામાં જોવા મળે છે.
દીવાને મશાઇખનો સારાંશ ઉર્દૂમાં રજૂ કરવા બદલ આદરણીય મૌલાના મુહમ્મદ ઇમરાન સાહેબ નદવી પાલનપુરી ઝીદ મજ્દુહૂ (જામિઆ નઝીરિયા કાકોશીના શિક્ષક) આપણા સૌ તરફથી બહુ આભારના હકદાર છે, તેમણે ઉર્દૂ ભાષામાં અનુવાદ કરીને આ માર્ગદર્શન-સ્રોત સુધી તમામ વિદ્વાનો તેમજ વિદ્યાર્થીઓની પહોંચ સરળ બનાવી લગભગ સાડા ચારસો વર્ષનું કરજ ચૂકવ્યું છે.
અહીં આ ઘટનાનો ઉલ્લેખ યોગ્ય છે કે માનનીય શિક્ષક મહાન હદીષશાસ્ત્રી મુફ્તી સઈદ અહમદ પાલનપુરી અવસાનના અઢી મહિના પહેલાં જામિઆ નૂરુલ ઉલૂમ ગઠામણ આવેલા હતા તે દરમિયાન એક દિવસ અચાનક દારુલ ઉલૂમ છાપી આવ્યા અને અમારા મદ્રસાના પૂર્વ સંચાલક મૌલાના નિઝામુદ્દીન ખામોશ, પ્રતિષ્ઠિત સાથી મૌલાના ઉસ્માન સાહેબ મોલીપુરી ઝીદ મજ્દુહૂ (દારુલ ઉલૂમ છાપીમાં હદીષના શિક્ષક) અને આ લખનારને બોલાવીને બહુ જલ્દીમાં ફરમાવ્યું કે હું કેવળ એટલું કહેવા આવ્યો છું કે પીર સૈયદ મશાઇખની કિતાબોનો ઉર્દૂમાં ત્યાર પછી ગુજરાતીમાં અનુવાદ કરવાનું કામ શરૂ કરો, સૌપ્રથમ ગિર્દિય્યાનો અનુવાદ કરો અને જે કામ થઈ જાય એ મારી પાસે દેવબંદ મોકલો, હું તેને જોઈશ, અને આ કામ જલ્દી શરૂ કરો, હવે હું વધારે જીવવાનો નથી.
માશા અલ્લાહ આ સૌભાગ્ય હજરત મૌલાના ઇમરાન સાહેબ નદવી ઝીદ મજ્દુહૂના નસીબમાં હતું, અલ્લાહ તઆલાએ આપ દ્વારા આ કામ લીધું અને એક તપસ્વી વ્યક્તિની પ્રાચીન ઇચ્છા પૂર્ણ કરી. તદુપરાંત પ્રિય મોલવી અહમદ કોઈટા સલ્લમહૂએ ગુજરાતીમાં છાજે તેવો અનુવાદ કર્યો છે. અલ્લાહ તઆલા બંને અનુવાદકોના પ્રયાસોને કબૂલ ફરમાવે. તે સિવાય જેમની ફિકર અને પ્રયાસથી આ મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક કાર્ય પૂર્ણ થયું છે અર્થાત્ મહાન સેવ્ય હજરત મૌલાના મુહમ્મદ યાસીન સાહેબ દા.બ. (જામિઆ નઝીરિયા કાકોશીના સંચાલક અને હદીષના શિક્ષક) અને આ નેક કામમાં ભાગ લેનાર અન્ય ભાગ્યશાળી લોકોની ખિદમતને કબૂલ ફરમાવીને આ આભારપાત્ર પ્રયાસને માર્ગદર્શનનો સ્રોતમૂળ અને બંને જહાનોમાં ફળદ્રુપ બનાવે. આમીન.
(મૌલાના) સનાઉલ્લાહ (સાહેબ) રસૂલપુરી
ખાદિમુલ હદીષ દારુલ ઉલૂમ છાપી
૧૯ રજબ, ૧૪૪૪ હિજરી
