હઝરત પીર મશાઇખ (રહ.)ના લખાણોની અસર અને કોમના સુધારામાં તેમની ભૂમિકા
March 28, 2024મહાન ઉપદેશક સૈયદ કબીરુદ્દીન હસન
March 28, 2024મોમિન કોમ જે ગુજરાતના પાલનપુર તથા કાઠિયાવાડના વિસ્તારોમાં વસે છે તે પાંચ સંપ્રદાયોમાં વહેંચાયેલી છે (૧)અહલે સુન્નત વલજમાત (૨)બરેલવી (૩)ઇસ્ના અશરી શીયા (૪)જાફરી શીયા (૫)આગાખાની. આમાં કેવળ આગાખાની જ હઝરત પીર મશાઇખને નથી માનતા, અન્ય ચાર સંપ્રદાયો આપની અકીદત ધરાવે છે.
અને બીજી બાજુ સમગ્ર કોમમાં અમુક લોકો સિવાય કોઈ પણ હઝરત પીર મશાઇખના આ દીવાનોને નથી સમજી શકતું અને દીવાનની હસ્તલિખિત પ્રતને તો બહુ ઓછા લોકો વાંચી શકે છે કેમ કે આ દીવાન ગુજરાતી બોડિયા અક્ષરોમાં લખેલો છે અને વર્તમાન સમયમાં આ લેખનશૈલી બિલકુલ લુપ્ત થઈ ગઈ છે, તેથી જરૂરત અનુભવાઈ કે સંપૂર્ણ દીવાનનો અનુવાદ કરવામાં આવે જેથી હઝરત પીર મશાઇખ સાથે સંબંધ ધરાવનારા લોકો આપના જીવનવૃત્તાંત (જે આપે ક્યાંક ક્યાંક સંક્ષિપ્ત રીતે વર્ણવ્યું છે) આપનાં ધર્મ અને તાલીમથી વાકેફ થાય તો આ જ જરૂરતને સામે રાખી હઝરત મૌલાના યાસીન સાહેબ મઝાહિરી દામત બરકાતુહુમ (મુહતમિમ જામિઆ નઝીરિયા કાકોશી,ગુજરાત)એ આ લખનારને આ કામ સોંપ્યું, પરંતુ આ કામ બહુ દળદાર છે જેના કારણે વર્તમાન સમયના સંક્ષિપ્તવાદી સ્વભાવો માટે તેનો અભ્યાસ મુશ્કેલ છે અને તેમાં અથાક પરિશ્રમ અને સમયની જરૂરત છે, માટે હઝરત મૌલાનાના સૂચન અનુસાર કામની રીત બદલીને “સારાંશ દીવાને મશાઇખ” શીર્ષક હેઠળ કામ શરૂ કરવામાં આવ્યું જેમાં શરૂઆતમાં મોમિન કોમનો સંક્ષિપ્ત ઇતિહાસ, હઝરત પીર મશાઇખ દ્વારા વર્ણવેલ સ્વયં આપનો અને આપના પેઢીનામાના અમુક બુઝુર્ગોનો અહેવાલ અને આપના બયાન અનુસાર આપનો ધર્મ, તાલીમ અને નસીહતો અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિ અને આપ દ્વારા થયેલ મિથ્યાચારી લોકોની આલોચના અને રોગની ઓળખ સહિત આપે નક્કી કરેલ ઉપચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ લખનારે વાસ્તવમાં આ કિતાબ ઉર્દૂ ભાષામાં લખી છે અને પછી કિતાબના અધિકતમ સંબોધ્યજનો માટે ગુજરાતી ભાષા વધારે ઉચિત જણાવાના કારણે આના ગુજરાતી અનુવાદની જરૂરત પડી તો મૌલાના અહમદ સાહેબ કોઈટા (ઉસ્તાઝે જામિઆ નઝીરિયા કકોશી)એ ગુજરાતી અનુવાદ કર્યો અને તેમણે આ કામ ખૂબ સારી રીતે કર્યું અને સાથોસાથ જે વાત જ્યાંથી લેવામાં આવી છે દીવાને મશાઇખની હસ્તલિખિત પ્રત (જે બોડિયા અક્ષરોમાં લખેલી છે)માંથી દલીલ સ્વરૂપે તેના ફોટા પણ લગાવી દેવામાં આવ્યા છે.
આ કિતાબના સંપાદનમાં હઝરત મૌલાના યાસીન સાહેબ મઝાહિરી દામત બરકાતુહુમની તરફથી જે સહાયતા અને પ્રોત્સાહન મળ્યું છે, અલ્લાહ તઆલાની કૃપા અને તૌફીક પછી એનું જ પરિણામ છે કે આ કામ સંપૂર્ણ થઈ શક્યું તે બદલ આ લખનાર હઝરત મૌલાનાને હાર્દિક આભાર પાઠવે છે અને અલ્લાહ તઆલા આપને શ્રેષ્ઠ બદલો આપે. (આમીન)
અને જ્યારે આ પુસ્તક મારા સેવ્ય આદરમાન હઝરત મૌલાના સૈયદ મુહમ્મદ રાબિઅ હસની નદવી (નાઝિમ નદ્વતુલ ઉલમા લખનૌ) રહ. સમક્ષ રજૂ કરવામાં આવ્યું તો આપે પ્રસન્નતા વ્યક્ત કરીને દુઆઓ આપી અને આપે એક અમૂલ્ય દીબાચો લખી આપ્યો અને હઝરત મુફ્તી અમીન સાહેબ પાલનપુરી (ઉસ્તાદે હદીષ વ મુરત્તિબે ફતાવા) દા.બ., હઝરત મૌલાના સનાઉલ્લા સાહેબ રસૂલપુરી દા.બ. (ઉસ્તાદે હદીષ દારુલ ઉલૂમ છાપી, ગુજરાત) અને હઝરત મૌલાના અબ્દુલ કુદ્દૂસ સાહેબ નદવી પાલનપુરી (મોહતમિમ દાઅવતુલ હક પાલનપુર)એ પોતપોતાની અમૂલ્ય પ્રસ્તાવનાઓ અને દુઆ સભર શબ્દો પ્રદાન કર્યાં અને હઝરત મૌલાના મુહમ્મદ કમરુઝ્ઝમા સાહેબ ઇલાહાબાદી દામત બરકાતુહુમે પણ સમર્થન તથા દુઆ સભર શબ્દો લખી આપ્યા.
તદુપરાંત, મૌલાના ઇકબાલ સાહેબ બોકડા (ઉસ્તાદ દારુલ ઉલૂમ ગોધરા)એ જે ગુજરાતી ભાષામાં સાહિત્યિક રુચિ ધરાવે છે કિતાબના ગુજરાતી અનુવાદ પર વિવેચનાત્મક નજર કરી અને સુધારવા લાયક બાબતો તરફ ધ્યાન દોર્યું અને અભિનંદન સભર શબ્દો લખી આપ્યા અને કિતાબના પ્રકાશનમાં મૌલાના ઇસ્માઈલ નદવી ભોલા ફીરોજપુરી (સમિતિ સભ્ય નદ્વતુલ ઉલમા લખનૌ) અને તેમના આદરમાન પિતા હાજી યાસીન દાઉદ ભોલા ફીરોજપુરીએ સખત પરિશ્રમ કર્યો, આ લખનાર ઉપરોક્ત તમામ સજ્જનોને ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરે છે, અલ્લાહ તઆલા આ સૌને શ્રેષ્ઠ બદલો અર્પણ કરે.
અંતે અલ્લાહ તઆલાથી દુઆ છે કે ખામીઓને નજરઅંદાજ કરીને આ સામાન્ય કામને કબૂલ ફરમાવે અને દારૈનમાં તેના નેક અને સરસ પરિણામો ફલિત ફરમાવે, આમીન યા રબ્બલ આલમીન.
મુહમ્મદ ઇમરાન નદવી
મુદર્રીસ જામિઆ નઝીરિયા કાકોશી,ગુજરાત
