દીવાને મશાઇખ પર કામની જરૂરત
March 28, 2024સૈયદ ઇમામુદ્દીન અને મોમના જમાત
March 28, 2024સૈયદ પીર કબીરુદ્દીન હસન મહાન ધર્મપ્રચારક, અલ્લાહ પ્રેમી, કરામતી શક્તિ ધરાવનાર, શ્રેષ્ઠ કાર્યરત તેમજ કોમળ વાણી જેવી ભવ્ય વિશેષતાઓના માલિક હતા. તેમનો જન્મ હિજરીસન ૭૧૫માં થયો. સૈયદ પીર મશાઇખે તેમને કબીરુદ્દીન ઇરાકીના નામથી યાદ ફરમાવ્યા છે.
(મકતૂલનામા દોમ,બયાન:૨૬૯)

ખઝીનતુલ-અસ્ફિયાના લખાણથી એવું જાણવા મળે છે કે તેમનો જન્મ બુખારામાં થયો હતો.
(ખઝીનતુલ અસ્ફિયા ભાગ-૪,પાન:૧૧૯)
પરંતુ એટલી વાત તો સ્પષ્ટ છે કે તેમના પૂર્વજો ઈરાકના હતા. (અખબારુલ-અખ્યાર)
આપ એક મહાન પર્યટક (ધર્મના પ્રચાર-પ્રસાર માટે મુસાફરી કરનાર) હતા, આપના જીવનનો ઘણોખરો સમય પર્યટનમાં વીત્યો હતો. આપ એક કરામતી બુઝુર્ગ હતા માટે આપના હાથ પર મોટી સંખ્યામાં ગેરમુસ્લિમોએ ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. આપ જેની સામે પણ ઇસ્લામ રજૂ કરતા હતા, તે ઉત્સાહપૂર્વક ઇસ્લામને સ્વીકારી લેતો હતો. આ કાં તો આપની સર્વોચ્ચ કરામત હતી અથવા ખુદાના બંદાઓને ખુદાની ખુદાઈથી વાકેફ કરાવવાની ધૂન હતી. આ વિશેષતા આપના અમૂક સંતાનોને પણ પ્રાપ્ત થઈ હતી પરંતુ અમુક વંશજો એવા કપૂત હતા જે દુનિયાના લોભ અને સ્વાર્થમાં સપડાયેલા હતા જેથી તેમની અદ્ભુત અને મનઘડંત બિદઅતોના કારણે આ સિલસિલો બદનામ થઈ ગયો.
(અખબારુલ-અખ્યાર)
એટલા માટે ઘણા લોકો આપને ઇસ્માઈલી દાઈ માને છે. શેખ ઇક્રામ સાહેબે પણ પોતાના પુસ્તક “આબે કૌસર”માં તેમને ફક્ત ઇસ્માઈલી શીયા નથી લખ્યા, બલ્કે એટલા સુધી લખ્યું છે કે પીર સદરુદ્દીન અને તેમના પુત્ર સૈયદ કબીરુદ્દીન હસને ઇસ્માઈલીઓમાં નવો પ્રાણ ફૂંક્યો. શેખ ઇક્રામે આપનું જીવનચરિત્ર એક ઇસ્માઈલી દાઈ તરીકે રજૂ કર્યુ છે, જોકે બાદમાં આનું ખંડન કર્યા વિના અખબારુલ અખ્યાર અને તારીખે ઊચનો સંદર્ભ ટાંકીને સુન્ની બતાવ્યા છે. (આબે કૌસર:૩૪૬-૩૪૮)
પરંતુ વાસ્તવિકતા તદ્દન જુદી છે. આપ ઇસ્માઈલી ધર્મપ્રચારક નહતા બલ્કે મનઘડંત કાર્યો અને અંધશ્રદ્ધાથી મુક્ત ઇસ્લામના સાચા પ્રચારક હતા. તેની ગવાહી શેખ અબ્દુલ હક મુહદ્દિસ દિલ્હી રહ.એ (ઈસ્વીસન ૧૫૫૧-૧૬૪૨) પણ આપી છે. શેખ સાહેબે આપના સંતાનોને આપની બદનામી માટે જવાબદાર ઠેરવ્યા છે જેમણે સામાન્ય દુનિયા માટે પોતાની આખિરત બરબાદ કરી દીધી, અન્યથા આપ હકીકી ઇસ્લામના પ્રચારક હતા જેમ કે ઉપર વર્ણવામાં આવ્યું છે.
તારીખે ઊચમાં પણ આ જ વાત લખેલી છે. તેના શબ્દો આ પ્રમાણે છે કે હસન દરિયા સુહરવર્દી ખુદાની યાદ તથા સારાં કાર્યોમાં તલ્લીન રહ્યા અને લોકોને પણ તેની ઉપદેશ આપતા રહ્યા પરંતુ આપના વંશજોનો ધર્મ ઇસ્નાઅશરી છે.
(આબે કૌસર,પાન:૩૪૯)
“ખઝીનતુલ અસ્ફિયા”ના ઉલ્લેખથી પણ જાણવા મળે છે કે આપ ઇસ્લામનો સાચો અકીદો ધરાવનાર ધર્મપ્રચારક હતા. આપનો સંબંધ સૈયદ વંશજ સાથે હતો. હઝરત મખદૂમ જહાનિયાંના ખાનદાનથી ખૂબ જ ફૈઝ પ્રાપ્ત કર્યો અને ઉચ્ચતાઓ સર કરી, પછી જગ-મુસાફરી માટે નીકળી ગયા.
(ખઝીનતુલ અસ્ફિયા ભાગ-૪,પાન:૧૧૯)
તેઓ જીવનના અંતમાં ઊચના રહેવાસી બની ગયા. ત્યાં જ લાંબું જીવન પસાર કરી એકસો એંસી વર્ષની વયે સ્વર્ગે સિધાવ્યા અને ત્યાં જ દફનાવવામાં આવ્યા.
(અખબારુલ અખ્યાર)
નોંધ:- અહીં ઇસ્લામમાં મોમિન કોમના ઇસ્લામ-સ્વીકારની જે ઘટના પરંપરાગત લોકવર્ણનના આધારે લખવામાં આવી છે, એવી એક બીજી ઘટના શેખ ઇક્રામ સાહેબે આબે કૌસરમાં બહાવલપુર ગૅઝેટિયરના આધારે લખી છે. તેઓ લખે છે કે તેમણે અસંખ્ય હિંદુઓને ઇસ્લામમાં દાખલ કર્યા. તેમના વિશે આ વાત મશહૂર હતી કે તેઓ જે પણ હિંદુ પર નજર નાખતા તે મુસલમાન બનવા માટે તત્પર થઈ જતો. તેઓ હસન દરિયાથી પણ પ્રખ્યાત હતા. તેનું કારણ આ છે કે એકવાર સિંધમાંથી હિંદુઓનો કાફલો ગંગાની જાત્રા માટે નીકળ્યો. આ લોકો જ્યારે ઊચ શરીફ પહોંચ્યા ત્યારે સૈયદ કબીરુદ્દીન હસને તેમને પૂછ્યું કે તમે એટલા દૂર કેમ જાઓ છો, હું તમને ગંગા અને જમનાનાં દર્શન અહીંથી જ કરાવી દઉં પણ શરત એ છે કે તમે મુસલમાન બની જાઓ, તે લોકોએ કહ્યું ઠીક છે. સૈયદ કબીરુદ્દીને કહ્યું કે તમે ગંગા અને જમનાનાં પ્રતીકો નામાંકિત કરી લો અને પછી અજમાવી લો કે એ પ્રતીકો અહીંથી દેખાય છે કે નહીં, આજ્ઞાનુસાર પ્રતીકો નામાંકિત કરવામાં આવ્યાં અને પીર સાહેબને કહેવામાં આવ્યું કે પોતાની કરામત બતાવો. બીજા દિવસે સવારે જાત્રીઓએ જોયું કે ગંગા અને જમના બંને નદીઓ તેમની નજીક વહી રહી હતી. તે જ ક્ષણે તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો અને પીર કબીરુદ્દીન હસન “હસન દરિયા” તરીકે ખ્યાતનામ થયા. (આબે કૌસર: પાન:૩૪૮)
પરંતુ આ બીજી ઘટના છે અને સ્પષ્ટ છે કે બહાવલપુર ગૅઝેટિયરની વર્ણવેલ ઘટના પણ પરંપરાગત લોકવર્ણન પર આધારિત છે. ખેર, આપના હાથ પર મોમિન કોમ દ્વારા ઇસ્લામ કબૂલ કરવાની આ પરંપરાગત લોકવર્ણનને મુંબઈ ગૅઝેટિયરના આ વર્ણન દ્વારા પણ સમર્થન મળે છે કે સૈયદ કબીરુદ્દીન ખેડા, કાઠિયાવાડ, અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં આવેલા છે અને આપના સદાચારી હાથ પર હિંદુઓની વિવિધ કોમોએ ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો જે બાદમાં મોમિના નામે પ્રસિદ્ધ થઈ.
(મોમિન કોમ અપની તારીખ કે આઈને મેં: પાન:૫૯)
અને શેખ ઇક્રામ સાહેબનું આ કથન પણ આ બાબતમાં ઘણું લાભદાયી નીવડી શકે છે કે ગુજરાત, ખાસ કરીને અમદાવાદમાં, સુહરવર્દી સિલસિલો નિઝામી સિલસિલા કરતાં વધુ વિકસિત થયો. આ સિલસિલાનાં કેન્દ્રો મુલતાન અને ઊચ હતાં અને સિંધમાં તેના અનુયાયીઓ મોટી સંખ્યામાં હતા. સિંધ અને ગુજરાત વચ્ચે વધારે અંતર નથી, તેથી આ સિલસિલાના ઘણા બુઝુર્ગો ગુજરાતમાં આવ્યા અને આ સંબંધનો પ્રારંભ એવા સમયે થયો જ્યારે અમદાવાદ હજું આબાદ પણ થયું નહતું અને પાટણ રોનકદાર બની ગયું હતું, હઝરત મખદૂમ જહાનિયાં જહાંગશ્તના ભાઈ સૈયદ રાજુ કત્તાલે ગુજરાત તરફ ખાસ ધ્યાન આપ્યું. સૈયદ મુહમ્મદ ખુદાબખ્શ, સૈયદ અહમદ મખદૂમ જહાંશાહ જેવા તેમના ઘણા શિષ્યોને પાટણમાં દફનાવેલ છે. (આબે કૌસર: પાન:૩૩૨)
યાદ રહે કે સૈયદ કબીરુદ્દીન સુહરવર્દી સિલસિલાના બુઝુર્ગ હતા અને હઝરત ખ્વાજા મખદૂમ જહાનિયાં જહાંગશ્તના ખાનદાન દ્વારા ફૈઝ પામેલા હતા અને મુસાફરીના શોખીન હતા અને તે સમયે મોમિન કૌમ અમદાવાદની આસપાસ રહેતી હતી, બાદમાં જીવનનિર્વાહની શોધમાં સ્થળાંતર કરીને પાલનપુર તથા આસપાસના વિસ્તાર અને કાઠિયાવાડ વગેરેમાં આબાદ થઈ ગઈ તેથી મોમિન કોમનું ઇસ્લામમાં પરિવર્તન બાબતે પરંપરાગત લોકવર્ણનના પ્રમાણમાં કોઈ શંકા નથી હોઈ શકતી.
