મહાન ઉપદેશક સૈયદ કબીરુદ્દીન હસન
March 28, 2024અજ્ઞાનતામાં ભટકતી એક સત્યવાંછું કોમ
March 28, 2024મોમિન કોમના અમુક લોકોએ સૈયદ કબીરુદ્દીન હસનના પુત્ર સૈયદ ઇમામુદ્દીનના હાથ પર ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. તેઓ આજે પણ તેમના અનુયાયી હોવાનો દાવો કરે છે અને પોતાને મોમિના કહે છે. તેઓ અમદાવાદ નજીકના પીરાણા ગામમાં રહે છે.
પરંતુ ઇતિહાસકારોના વર્ણન અને પોતે તેમના અનુયાયીઓના દાવા મુજબ તેમણે આમ મુસ્લિમો વિરુદ્ધ એક નવા ધર્મનું આમંત્રણ આપ્યું હતું, જેને સતપંથ કહેવામાં આવે છે. હઝરત પીર મશાઇખે પોતાના દીવાનમાં તેની ખૂબ ટીકા કરી છે. શેખ ઇક્રામ સાહેબ સૈયદ ઇમામુદ્દીન વિશે લખે છે કે “નિઝારી સિલસિલાના બીજા ધર્મપ્રચારક સૈયદ ઇમામુદ્દીન હતા જે ઇમામ શાહથી પણ જાણીતા છે. તેમના અનુયાયી આગાખાનીઓના ઇમામતવાદી ખ્યાલથી સહમત નથી પરંતુ પોતાના સ્થાપકને નિઝારના વંશજમાંથી માને છે અને તેઓએ ધર્મપ્રચારની ઇસ્માઈલી પદ્ધતિના અનુસરણમાં સ્થાનિક લોકોની ઘણી વાતો સ્વીકારી છે, પરંતુ તેમની ઇમામશાહી અથવા સતપંથી પદ્ધતિ ઇસ્માઈલી ખોજાઓની તુલનામાં કબીરપંથી અને નાનકપંથી પદ્ધતિથી વધારે સામ્યતા ધરાવે છે. તારીખે ઔલિયા ગુજરાત (તર્જમા મિર્આતે અહમદી)માં સૈયદ ઇમામદ્દીન વિશે લખ્યું છે: “તેમના પિતાનું નામ કબીરુદ્દીન હતું. ઇરાકથી હિંદુસ્તાન આવીને ઇસ્લામના પ્રચારમાં મશગૂલ થઈ ગયા.કરામતી શક્તિના માલિક હતા. ઘણા હિન્દુઓએ આપના હાથ પર ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો.”
સૈયદ ઇમામુદ્દીને ગુજરાતમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. તેમના અનુયાયીઓને મોમિના અથવા સતપંથી કહેવામાં આવે છે. તેમનામાં હજુ પણ ઘણી હિંદુ પરંપરાઓ મોજૂદ છે, તેથી આ પ્રદેશના મશાઇખને આમાં ઓછો રસ છે, તેમનાં ઉર્સોમાં પણ બહુ ઓછા જાય છે. આ જમાતની આગેવાની સૈયદ ઇમામુદ્દીનના એક ઉત્તરાધિકારી કરે છે જેમને આ જમાત “કાકા” કહે છે. તે અપરિણીત જીવન પસાર કરે છે, લાંબા સમયથી “કાકા” હિંદુ રહે છે પણ ખ્વાજા હસન નિઝામી કહે છે કે “કાકા” ગુપ્ત રીતે મુસ્લિમ હોય છે. આ પ્રમાણેના લોકો જે જાહેરમાં હિંદુ બનીને રહતા હોય તેમને ગુપ્તી કહેવાય છે. અને જેઓ જાહેરમાં પણ મુસ્લિમ છે તેમને મોમિના કહેવામાં આવે છે. સૈયદ ઇમામદ્દીનની કબર અમદાવાદ નજીક પીરાણામાં છે. સૈયદ ઇમામદ્દીન હકીકતમાં પીર સૈયદ કબીરુદ્દીન હસનના પુત્ર હતા. મુંબઈ ગૅઝેટિયરમાં લખેલ છે કે સિંધી ખોજાઓએ તેમનો વિરોધ કર્યો તેથી સિંધથી સ્થળાંતર કરી ગુજરાત આવ્યા જ્યાં સુલતાન મેહમૂદ બેગડાએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમની કાર્યશૈલી સામાન્ય ઇસ્માઈલી પદ્ધતિથી અલગ હતી. તદુપરાંત, તેમણે સમકાલીન ઇમામને અનુયાયીઓની આવકનો દસમો ભાગ આપવાની માંગ કરવા બદલ નિંદા કરી, તેથી ઇમામ આગા અબ્દુસ્સલામ ઇબ્ને ઇસ્લામ શાહે તેમને જમાતમાંથી હાંકી કાઢ્યા. આગા અબ્દુસ્સલામે કદાચ એ કારણસર પોતાનો કોઈ નાયબ નિયુક્ત નહીં કર્યો કે નિયુક્તિ દ્વારા જ આ લોકોને નિતનવા તરીકા શરૂ કરવાની તક મળે છે. પરંતુ પોતાના હિંદુસ્તાની અનુયાયીઓના માર્ગદર્શન માટે “પંદયાતે જવાંમર્દી” નામક પુસ્તક લખ્યું જેને ખોજા લોકો પીરનો દરજ્જો આપે છે. સૈયદ ઇમામુદ્દીની વફાત ઈસ્વીસન ૧૫૧૨માં થઈ.
(આબે કૌસર,પાન:૩૫૦,૩૫૧)
હઝરત સૈયદ કબીરુદ્દીન પછી પણ મોમિન કોમમાં ઇસ્લામના પ્રચારની પરંપરા ચાલતી રહી, આ પ્રચારકો આપના સંતાનો હોય એવું સંભવિત છે, જેમ કે શેખ અબ્દુલ હક મુહદ્દિસ દિલ્હીના પુસ્તક અખબારુલ અખ્યારના સંદર્ભ સાથે ઉલ્લેખાઈ ગયું કે બિનમુસ્લિમો મોટી સંખ્યામાં આપના (સૈયદ કબીરુદ્દીન)ના હાથે ઇસ્લામ સ્વીકારતા હતા. આ વિશેષતા આપના અમુક સંતાનોને પણ પ્રાપ્ત થઈ હતી.
અને હઝરત પીર મશાઇખ (રહ.)એ પોતાની નસલના એક બુઝુર્ગ સૈયદ મશાઇખ ઇબ્ને સૈયદ રહમતુલ્લાહ વિશે લખ્યું છે કે જ્યારે ગુજરાતમાં ગુજરાતી સુલતાનોનો અંતિમ કાળ હતો ત્યારે મોમિન કોમના અમુક લોકો આપને લાહોરમાંથી લાવીને ગુજરાતના કડી કસબામાં વસાવ્યા હતા. પછી આપનાં સંતાનો અહીંના વતની બની ગયાં હતાં.
(મકતૂલનામા દોમ, બયાન-૨૭૨)

અને આ પણ શક્ય છે કે કોમના લોકો મુલતાન અને ઊચથી ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ આવનારા સુહરવર્દી મશાઇખના હાથે સમયાંતરે ઇસ્લામ કબૂલ કરતા રહ્યા હોય. જેમ કે પાછળ તેનો ઉલ્લેખ થઈ ગયો.
જાહેર છે કે મોમિન કોમના ઇતિહાસનો આ ભાગ અસ્પષ્ટ છે માટે ઉપર જે કહેવામાં આવ્યું છે તેના કરતાં વધુ કંઇ કહી શકાય એમ નથી. પછી અગિયારમી સદીના અંતમાં આ જ સિલસિલાના એક બુઝુર્ગ સૈયદ પીર મશાઇખ પેદા થયા. તેમણે સમાજસુધારા માટે ગૂર્જરી ભાષામાં ઘણાં પુસ્તકો લખ્યાં જેમાં હઝરતે ધાર્મિક નીતિનિયમો અને હકીકતો તેમજ પોતાની વ્યક્તિગત પરિસ્થિતિઓ, સમકાલીન સામાજિક ખરાબીઓ, લોભી પીરોની દગાબાજીઓ અને ભ્રામક કાર્યોનો ઉલ્લેખ કર્યો છે જેમાં કોમના ઇતિહાસ વિશે પુષ્કળ માહિતી મળે છે અને આ પુસ્તકનો હેતુ પણ આ પ્રકારની જાણકારી પ્રદાન કરવાનો છે.
