જ્યોતિષી
May 6, 2024ભાગ્યને બહાનું બનાવી તદબીર (અમલ) મત છોડો
May 6, 2024આ મુનાફિક અને દુષ્ટ જમાત બેદરકારી અને શારીરિક આસાની માટે અમલથી પણ પાછી પાની કરતી હતી અને ભાગ્યનો આશરો લેતી હતી કે જન્નત અને જહન્નમાંથી જે ભાગ્યમાં લખાઈ ગયું છે તે મળીને રહેશે, ઇબાદતથી શું થઈ શકે છે. હઝરત પીર મશાઇખ (રહ.) તેમને ભાગ્યની વાસ્તવિકતા અને ઇબાદતનો મહિમા અને જરૂરત બતાવતાં ને સારાં કાર્યો અને સાચા ઈમાનનું આમંત્રણ આપતાં લખે છે:
“હે મુનાફિકો! સાંભળો, તમે કેવો દાવો કરો છો, તમે તો માત્ર શારીરિક રાહતના તલબગાર છો, એટલા માટે જ દલીલબાજી કરો છો પરંતુ હૃદયમાં ભરેલી ગંદકી દૂર નથી કરતા અને ધાર્મિક બાબતોમાં બહસ કરો છો, ભાગ્યનો મુદ્દો એટલા માટે યાદ કર્યો છે કે તેને પોતાની દલીલબાજીનો આશરો બનાવો કે નસીબમાં જે લખ્યું છે તે જ થશે, એટલા માટે અમે અમલ નથી કરતા અને મરજી મુજબ ચાલીએ છીએ અને જન્નત તથા જહન્નમમાંથી જે અમારી કિસ્મતમાં લખાયેલું હશે તે અમને મળશે અને ઇબાદતનો કશો ફાયદો નથી, તમે આવી વાતો પોતાના દિલમાં કરતા રહો છો, અમને કેમ જવાબ નથી આપતા કે અમને આવો આદેશ આપવામાં આવ્યો છે, આ સાચા આદેશને તો તમે છુપાવી રાખ્યો છે, જુઓ, ઈમાન ડર અને ઉમેદનું નામ છે, ડર અને ઉમેદ બંને રાખવાં પડશે, દીનને એ ઉમેદ સાથે અનુસરવાનું છે કે તેના પ્રતાપે જન્નત મળશે ભાગ્ય વિશે ડરતાં રહેવાનું છે અને મૃત્યુ સુધી આ પ્રમાણે જીવન પસાર કરવાનું છે જહન્નમમાં લઈ જવાવાળાં કાર્યો તરફ નજર પણ ન કરો, ઈમાન ડર અને ઉમેદમાં છે, બંને વગર ઈમાન નથી, માટે હે મુનાફીકો! આંખો ખોલો, તોબા કરો અને ખોટાં કાર્યો છોડી દો.”
(ઈમાન દોમ,બયાન:૧૮-૧૮૩૮)



હે મુનાફિકો! તમે દીનની વાતો સાંભળો તમારા અંદર મોજૂદ કુફ્ર ખતમ થશે, જો તમે સાંભળવાની આદત કેળવશો તો હકીકી ઈમાનનો અમૂલ્ય ખજાનો હાથ આવશે અને જો તમે સાંભળીને સમજવા ઈચ્છો છો તો હું તમને સુંદર ઉદાહરણ આપીને સમજાવીશ, હે મુનાફિકો! તમે દીનની આવી મહત્વપૂર્ણ વાતો બહુ પ્રેમ અને લગન સાથે સાંભળો, ખાસ કરીને ભાગ્યનું બયાન સાંભળો, તમારું દિલ કેમ ડગમગી રહ્યું છે, તમારી છાતીમાં ગંદુ દિલ છે અને તમે નફસાની ખ્વાહિશ માટે આવું કરો છો, અરે ખુદાએ જે નસીબમાં લખી દીધું છે એ જ થશે જ્યારે અમલ કશા કામમાં નથી આવતું તો પછી કેમ દુનિયા કમાવા માટે આટલો પરિશ્રમ કરો છો, અહીં પણ ભાગ્ય પર ભરોસો કરો અને આ બાબતમાં તો મોમિન અને કાફિર બધા બરાબર છે, જો તમે રબની કિતાબો અને નબી (સ.અ.વ.)ને ન ઓળખો તો તમારા પર ફિટકાર છે તમે કેમ આવી વૈચારિક ગેરસમજમાં પડેલા છો અને કેમ પોતાને જહન્નમથી ડરાવતા નથી, અરે સાંભળો ઈમાન તો ઉમેદ અને ડર બંનેના વચ્ચેની વસ્તુ છે, ઉમેદનો મતલબ અને તેની હકીકત હું લખી ચૂક્યો છું, અરે ભાગ્યની વાત સાંભળીને તો મામિનના દિલમાં દહેશત છવાઈ જાય છે તે જાણે છે કે ઇબાદત પણ ઈમાનની એક મહત્વપૂર્ણ અને બુનિયાદી શાખા છે, માટે આજીજી સાથે તેમાં તલ્લીન થઈ જાય છે અને કોઈ ભાગ્યને ન માને તો પણ અંતિમકાર મૃત્યુ આવવાનું જ છે, તેનાથી તો કોઈને છુટકારો નથી, ઈમાનવાળા કબરના ડર અને અંજામની ચિંતામાં રોતા રહે છે અને આ ડરના કારણે ગુનાનાં કાર્યો નથી કરતા, આ જ સાચા મોમિનોનો માર્ગ છે, મુનાફિકો! તમે દોજખની હકીકતથી અજાણ છો, તમે ભાગ્યના મુદ્દામાં પૂરી દુનિયાના માણસોને એક લાઇનમાં ઊભા કરો છો, તમે મારી નસીહત સાંભળો, જોઈએ મારી નસીહત અસરકારક થાય છે કે તારી તકરાર, આ મુહમ્મદ (સ.અ.વ.)ની ઉમ્મતમાં અસંખ્ય ઔલિયાએ કિરામ છે, ખુદાએ તેમના હાથે મહત્વપૂર્ણ કરામતો જાહેર કરી છે, દા.ત. ખુદાઈ આજ્ઞાનુસાર મૃતદેહોને જીવંત કર્યા, ભૂતપ્રેતને વશ કર્યાં, સાપ અને વીંછી જેવા ઝેરીલા જીવોને પણ કાબુમાં કર્યા, કાંકરા, પથ્થર અને લોખંડ જેવી વસ્તુઓએ તેમનાથી વાતચીત કરી અને અસલ સુલતાનના આદેશથી ફાની બાદશાહત એક હાથમાંથી લઈને બીજાના કબજામાં આપી દીધી તે છતાં તેમની હાલત એવી હતી કે ભાગ્ય વિશે હંમેશાં ડરતા અને રડતા રહેતા હતા અને આ જ હાલતમાં અસલ માલિક પાસે પહોંચી ગયા પરંતુ તારી હાલત એવી છે કે તું એક બાજુ નબી (સ.અ.વ.)નો ઉમ્મતી હોવાનો દાવો કરે છે અને આપની વાતો નથી માનતો, શું કોઈ ગેરમુસ્લિમ (કેવળ મુખરતાના બદૌલત) અંતિમ નબી પર ઈમાન લાવ્યા વગર નબીનો ઉમ્મતી બની શકે છે તો પછી તમે કેમ ભાગ્ય વિશે આવો વ્યવહાર કરો છો? તમે મારી નસીહત સાંભળો અને જે અમે કહ્યું છે કે ઈમાન ડર અને ઉમેદના વચ્ચેની વસ્તુ છે તેના પર યકીન રાખો.”
(ઈમાન દોમ,બયાન:૧૯-૧૮૩૯)




બીજી જગ્યાએ આ વાત સમજાવતાં કહ્યું જો તમે ઇચ્છુક બનીને પ્રયત્ન કરતા રહેશો અને અમલ કરશો તો અલ્લાહ તઆલા તરફથી સરળતા પેદા થઈ જશે, હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે:
“હે મુનાફિકો! તમે છળકપટ છોડો, તેનાથી તમારું જ નુકસાન થશે, તમે કેવા ભ્રમમાં રાચો છો? અલ્લાહ તઆલા જેની સાથે ચાહે છે ખાસ કરમનો વ્યવહાર કરે છે કે તેના માટે ગુનાથી બચવાનો રસ્તો સરળ કરે છે જેવી રીતે કે કોઈના ભાગ્યમાં વ્યભિચારનો ગુનો લખાયેલો છે અને તે વિશે અલ્લાહ ચાહે તો ગુનાથી રક્ષણનો સામાન તૈયાર કરી દે છે, હે મુનાફિકો! તમે કેમ જૂઠથી કામ ચલાવો છો અને ભાગ્યને બહાનું બનાવીને નેક અમલ નથી કરતા અને કહો છો કે જેવું લખ્યું છે એવું થઈને રહેશે તો પછી અમલ કરવાની શી જરૂરત છે, આ તો જહન્નમીઓની ઓળખ છે કે તે નેક અમલ તરફ ધ્યાન નથી આપતા, જેવું ઠેકાણું હશે એ પ્રમાણે માણસ દુનિયામાં અમલ કરશે અને તે કામ તમારા દ્વારા થઈ રહ્યાં છે, ન તો તમે અલ્લાહની રજામંદીના તલબગાર છો અને ન તો તમારા ભીતર ખુદાનો ડર છે, તો પછી અલ્લાહ તઆલા તમારાથી કેવી રીતે રાજી થશે, અલ્લાહ તો તમને ચાહે છે અને તમારા માટે ભાગ્યને સરળ કરવા ઇચ્છે છે પરંતુ તમે નથી ચાહતા, તમે લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરો છો, પોતાના સ્વાર્થ માટે તેમની પાસે જાઓ છો અને ચાપલૂસીભર્યા અંદાજ અપનાવો છો અને તેમને ખુશ કરવા માટે જાતજાતનાં જતન કરો છો પરંતુ અલ્લાહનો ડર તમારાં દિલોમાં નથી અને ન તમને તેની સાથે પ્રેમ છે.”
(ઈમાન દોમ,બયાન:૩૪/૧૮૫૪)





